ઢાકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ વચ્ચે મયમનસિંઘ જિલ્લામાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાલૂકા જિલ્લામાં આવેલી એક ગારમેન્ટ ફેક્ટરીની અંદર સુરક્ષા ફરજ દરમિયાન હિન્દુ યુવકની ગોળી મારીને હત્યા કરાઇ છે. આ મામલે તેમના જ સાથી નોમાન મિયા (29)ની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે દેશમાં હિન્દુઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યાં છે તેવા જ સમયે આ ઘટના બની છે.
આ ઘટના સોમવાર, 29 ડિસેમ્બરની સાંજે અંદાજે 6:45 વાગ્યે મેહરાબારી વિસ્તારમાં આવેલી 'સુલ્તાના સ્વેટર્સ લિમિટેડ' (લાબીબ ગ્રુપ) ની અંદર બની હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, બજેન્દ્ર બિસ્વાસ અને નોમાન મિયા બંને ફેક્ટરી પરિષરમાં બનેલા અંસાર બેરેકમાં તૈનાત હતા. વાતચીત દરમિયાન નોમાન દ્વારા સરકારી શૉટગન મજાકમાં બજેન્દ્ર તરફ તાકવામાં આવી હતી.
આ દરમિયાન અચાનક ગોળી છૂટી ગઈ હતી, જે બજેન્દ્રની ડાબી જાંઘમાં વાગી હતી. તેમને તાત્કાલિક ભાલૂકા ઉપજિલ્લા આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે રીતે સતત હુમલા થઈ રહ્યા છે, તેને જોતા આ મામલે પણ સવાલો ઉઠી રહ્યાં છે કે શું ગોળી ખરેખર મજાકમાં ચાલી હતી કે તેની પાછળ કોઈ કાવતરું હતું ?
મૃતક બજેન્દ્ર બિસ્વાસ સિલહટ સદરના કાદિરપુર ગામના રહેવાસી હતા અને તેઓ પોતાના પરિવારના એકમાત્ર કમાતા સભ્ય હતા. જ્યારે આરોપી નોમાન સુનામગંજ જિલ્લાના તાહેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. પોલીસે આરોપીની અટકાયત કરી સરકારી શૉટગન જપ્ત કરી લીધી છે અને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પહેલા 18 ડિસેમ્બરે આ જ ભાલૂકા વિસ્તારમાં દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવક સાથે મારપીટ કરી, નિર્વસ્ત્ર કરી અને જીવતો સળગાવીને હત્યા કરવાની ઘટના સામે આવી હતી. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે વીતેલા મહિનાઓમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા, અપમાન અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે, પરંતુ અનેક કિસ્સાઓમાં કડક કાર્યવાહી થઈ શકતી નથી. આ મામલે ભારતમાં પણ ચિંતા વધી છે.