અમેરિકામાં ગુજરાતીના સ્ટોરમાં 12 શખ્સોએ ચલાવી લૂંટ, 66 સેકન્ડમાં આરોપીઓ ફરાર

11:22 PM Jul 04, 2025 | gujaratpost

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં ગુજરાતી વ્યક્તિના સ્ટોરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ ચલાવવામાં આવી હતી. સાઉથ કેલિફોર્નિયાના આર્ટેસિયાના એરિયામાં આવેલા અંબર જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી. બનાવની વિગતો એવી છે કે પહેલા સ્ટોરની લોખંડની જાળી આગળ એક કાર જોરથી અથડાઇ હતી, જેને કારણે દરવાજો તૂટી ગયો. જે બાદ અંદાજે 12 ધાડપાડુ સ્ટોરની અંદર ઘૂસી ગયા હતા. આ ઘટનામાં સ્ટોરની એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.

ધાડપાડુ ત્રાટકતાં સ્ટોરના એક વ્યક્તિએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આટલી મોટી સંખ્યામાં લૂંટારુઓ હોવાથી તે કોઈને રોકી શક્યા નહીં. સ્ટોરમાં એ સમયે ત્રણ મહિલાઓ પણ હતી અને તે ડરના માર્યા કાઉન્ટર ટેબલની સાઇડમાં છુપાઈ ગઈ હતી. લૂંટ કેટલાની થઈ એનો ચોક્કસ આંકડો હજી સુધી સામે આવ્યો નથી.

ધાડપાડુઓએ સ્ટોરમાં કાચના કેબિનેટ હથોળીથી તોડીને સાથે લાવેલા પ્લાસ્ટિકના મોટા થેલામાં સોનાનાં ઘરેણાં તથા ઘડિયાળો લઇ ગયા હતા. કેટલાક ધાડપાડુઓ એકસાથે પાંચથી છ બોક્સ હાથમાં લઈને જતા જોવા મળ્યાં હતા.

Trending :

ધાડપાડુઓ માત્ર 66 સેકન્ડમાં લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા. આ લૂંટારુઓ પાંચ કાર લઈને આવ્યાં હતા. આ તમામ કારની નંબરપ્લેટ્સ ગુમ હતી. જ્યારે તેઓ સ્ટોરની બહાર નીકળ્યાં ત્યારે આસપાસની દુકાનોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો અને બધાએ પોતપોતાની દુકાનો ફટાફટ બંધ કરી દીધી હતી. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++