બેરોજગારી અને બીમારીથી કંટાળીને સુરતમાં રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું - Gujarat Post

10:43 PM Dec 13, 2025 | gujaratpost

સુરતમાં અત્યાર સુધી 60થી વધુ રત્ન કલાકારો કરી ચુક્યાં છે આપઘાત

સુરત: કાપોદ્રામાં બેરોજગારી અને લાંબી બીમારીથી માનસિક રીતે ભાંગી પડેલા એક રત્નકલાકારે પોતાના એપાર્ટમેન્ટના ટેરેસ પરથી પડતું મૂકીને આત્મહત્યા કરી. મૃતક રત્નકલાકારની ઓળખ 58 વર્ષીય ઘનશ્યામભાઈ રામોલિયા તરીકે થઈ હતી. મૃતક કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલા કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

પોલીસ સૂત્રો અને તપાસ અધિકારીના જણાવ્યાં અનુસાર, ઘનશ્યામભાઈ રામોલિયા છેલ્લા લગભગ છ મહિનાથી બેરોજગાર હતા, જેના કારણે તેઓ ગંભીર આર્થિક સંકડામણ અને તણાવ અનુભવતા હતા. આર્થિક સમસ્યાઓ વચ્ચે તેઓ શારીરિક બીમારીથી પણ પીડાતા હતા, જેના કારણે તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન હતા.

તપાસ અધિકારીના જણાવ્યું પ્રમાણે, મૃતકને આંતરડાની બીમારી હોવાને કારણે તેઓ છેલ્લા બે મહિનાથી બેડરેસ્ટ પર હતા. શારીરિક સમસ્યાને લીધે તેઓ લાંબા સમયથી કામ પર જતા ન હતા. હાલ નોકરી છૂટી જવાની સત્તાવાર જાણકારી મળી નથી, પરંતુ બેરોજગારી અને બીમારીના કારણે આવેલા ડિપ્રેશનને પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે.

વહેલી સવારે હતાશામાં આવીને ઘનશ્યામભાઈએ પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી નીચે પડતું મૂકી દીધું હતું. આ કરુણ ઘટનાની જાણ થતાં જ એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતી. પોલીસે મૃતકના પરિવારજનો અને પડોશીઓના નિવેદનો લઈને આપઘાત પાછળના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++