હોર્મુઝની ખાડીમાં ઈરાનનું આક્રમક વલણ: ગુજરાતના મુંદ્રા આવી રહેલા ભારતીય જહાજ સહિત બે પર ગોળીબાર અને કબજો

04:41 PM Apr 22, 2026 | gujaratpost

(file photo)

દુબઈ/અમદાવાદ: આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારના મહત્વના માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની સરહદ નજીક મોટી સુરક્ષા કટોકટી સર્જાઈ છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ  દ્વારા બે કોમર્શિયલ જહાજો પર ગોળીબાર કરી તેમને કબજે કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે, જેમાં એક ભારતીય ધ્વજ ધરાવતું જહાજ પણ સામેલ છે.

અહેવાલ મુજબ, ઈરાને જે જહાજો પર કબજો કર્યો છે તેમાં ભારતીય ધ્વજ ધરાવતું જહાજ 'એપામિનોંડાસ' પણ સામેલ છે. આ જહાજ દુબઈથી રવાના થઈને ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવી રહ્યું હતું. આ ઘટનાને પગલે ભારતીય નિકાસકારો અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર, આ હુમલામાં ઓમાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભારે ગોળીબાર અને રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.IRGCની એક ગનબોટ જહાજની અત્યંત નજીક આવી હતી અને કોઈ પણ પ્રકારના રેડિયો સંપર્ક વિના અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.લાઇબેરિયાના ધ્વજ ધરાવતા કન્ટેનર જહાજના બ્રિજને હુમલામાં નુકસાન પહોંચ્યું છે.

સદનસીબે આ હુમલામાં કોઈ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી. જહાજમાં આગ લાગવાની કે દરિયામાં કોઈ પણ પ્રકારના પર્યાવરણીય નુકસાન (ઓઈલ ગળતર)ના અહેવાલ નથી.ઈરાનના સરકારી ટીવીએ પુષ્ટિ કરી છે કે બે જહાજોને કબજે કરીને ઈરાન તરફ લઈ જવામાં આવી રહ્યા છે. UKMTO (યુનાઈટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ) ના જણાવ્યા અનુસાર, ગ્રીક સંચાલિત જહાજના કેપ્ટને માહિતી આપી હતી કે તેમને પહેલા સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ ત્યારબાદ અચાનક ગનબોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.