વડોદરાઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ત્રણ દિવસ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં ભાજપને મોટો ફટકો પડ્યો હતો. અહીં ભાજપ સાથે સંકળાયેલા અંદાજે 200 જેટલા કાર્યકરો પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવ પાસે ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોએ ભાજપના ઉમેદવારોને બરાબરના ઉધડો લીધા હતો.
કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તમામ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ચૂંટણી ટાણે આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું પક્ષ પરિવર્તન ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.
આ સિવાય વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ગયા ત્યારે સ્થાનિકે તળાવમાં ફેલાયેલી ગંદકી બતાવતા ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જેથી સ્થાનિકોએ પૂછ્યું હતું કે, રામના 10 નામ બોલી બતાવો. તેમજ સવાલોનો મારો ચલાવતા ઉમેદવારોએ ભાગવું પડ્યું હતું.
ભાજપના ઉમેદવારો ધરતીબેન સોની, અનિતાબેન વિરપુરા, રણજીત રાજપુત અને પવન હેમનાની પ્રચાર માટે વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન તેઓ સરસિયા તળાવ પાસે પહોંચ્યા ત્યારે કેટલાક સ્થાનિક નાગરિકોએ તળાવની હાલત અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. નાગરિકોએ તળાવમાં ફેલાયેલી ગંદકી, અયોગ્ય સફાઈ અને લાંબા સમયથી બાકી રહેલા વિકાસ કાર્યો અંગે સવાલો પૂછ્યા હતા. પ્રજાનો મિજાજ પારખીને નેતાઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.