તાજેતરમા દધીચી બ્રિજ પર સળિયા દેખાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું
ટ્રાફિકથી ધમધમતો સુભાષ બ્રિજ બંધ હોવાથી વિવિધ બ્રિજ પર ભારણ વધ્યું
અમદાવાદ: રાજ્યમાં પુલોની ગુણવત્તા અને જાળવણી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સૌથી મહત્વના અને વ્યસ્ત એવા ઈન્દિરા બ્રિજ પર મોટી તિરાડો અને ખાડાઓ જોવા મળતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મોરબી અને ગંભીરા બ્રિજની કરુણ દુર્ઘટનાઓ બાદ પણ માર્ગ અને મકાન વિભાગ જાણે ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે.
ઈન્દિરા બ્રિજ એ માત્ર સામાન્ય નાગરિકો માટેનો રસ્તો નથી, પરંતુ તે રાજ્યનો સૌથી VVIP માર્ગ છે. વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યો એરપોર્ટથી ગાંધીનગર જવા માટે આ જ બ્રિજનો ઉપયોગ કરે છે. આમ છતાં, આ બ્રિજની હાલત દયનીય બની છે. બ્રિજ પર પડેલા ખાડા અને દેખાતી તિરાડો વાહનચાલકો માટે જોખમ ઉભું કરી રહી છે.
સાબરમતી નદી પર બનેલા આ બ્રિજ પરથી રોજબરોજ અંદાજે 1 લાખ જેટલા વાહનો પસાર થાય છે. તંત્ર દ્વારા અવારનવાર 'બ્રિજ ઇન્સ્પેક્શન' (નિરીક્ષણ) કરવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રિપોર્ટ આવ્યા બાદ તેનું અમલીકરણ કે રિપેરિંગની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
અગાઉ પણ આ બ્રિજ પર ખાડા પડવાની ઘટનાઓ બની છે, છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાયમી ઉકેલ લાવવાને બદલે માત્ર થૂંકપટ્ટી કરવામાં આવતી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. વડાપ્રધાનની મુલાકાતો વખતે આ માર્ગને ચમકાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બ્રિજનું સ્ટ્રક્ચર નબળું પડી રહ્યું હોય તેવું તિરાડો પરથી જણાય છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.