+

નેપાળની જેલ તોડી ભાગેલો ડ્રગ્સ પેડલર અમદાવાદથી ઝડપાયો: બૂટલેગર સાસુના ઘરે છુપાયો હતો - Gujarat Post

નેપાળ અને ભારતની એજન્સીઓના રડાર પર હતો આરોપી ચોરીછૂપીથી સરહદ ઓળંગીને અમદાવાદ આવ્યો હતો અમદાવાદ: શહેરમાં ડ્રગ્સની હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય ગુનાખોરીમાં સંડોવાયેલા તત્વો સામે અમદાવાદ ક્રાઈમ બ

  • નેપાળ અને ભારતની એજન્સીઓના રડાર પર હતો આરોપી
  • ચોરીછૂપીથી સરહદ ઓળંગીને અમદાવાદ આવ્યો હતો

અમદાવાદ: શહેરમાં ડ્રગ્સની હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય ગુનાખોરીમાં સંડોવાયેલા તત્વો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી સફળતા મેળવી છે. નેપાળમાં ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ અને Gen-Z આંદોલન દરમિયાન જેલ તોડી ફરાર થયેલા કુખ્યાત આરોપી ધર્મેશ ચુનારાને ક્રાઈમ બ્રાંચે કાગડાપીઠ વિસ્તારમાંથી દબોચી લીધો હતો.

મૂળ અમદાવાદનો ધર્મેશ ચુનારા ગત વર્ષે બેંગકોકથી 13 કિલો જેટલો પ્રતિબંધિત 'હાઈબ્રિડ ગાંજો' લઈને નેપાળ પહોંચ્યો હતો. નેપાળ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને તેને ત્યાંની જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જોકે, નેપાળમાં થયેલા 'Gen-Z' આંદોલન દરમિયાન સ્થાનિક યુવાનોએ જેલ પર હુમલો કરી તાળાં તોડ્યા હતા, જેનો લાભ ઉઠાવી ધર્મેશ પણ જેલમાંથી ફરાર થઈ ગયો હતો.

જેલમાંથી ભાગ્યા બાદ ધર્મેશ ચોરીછૂપીથી સરહદ ઓળંગીને અમદાવાદ આવી પહોંચ્યો હતો. તે કાગડાપીઠ વિસ્તારમાં રહેતી તેની સાસુ (જે એક લિસ્ટેડ બૂટલેગર છે) ના ઘરે આશરો લઈ રહ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. નોંધનીય છે કે ધર્મેશ સામે અમદાવાદમાં કોઈ ગુનો નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલો હોવાની આશંકા છે.

નેપાળ જેલ તોડીને ભાગેલા કેદીઓની યાદીમાં ગુજરાતના બે શખ્સોના નામ હતા, જેમાં એક અમદાવાદનો ધર્મેશ અને બીજો સુરતનો યુવક હતો. નેપાળ સરકારે આ અંગે ભારતની સેન્ટ્રલ એજન્સીઓને જાણ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ હવે પકડાયેલા ધર્મેશ ચુનારાનો કબજો ભારતની સેન્ટ્રલ એજન્સીઓને સોંપશે. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેને ફરીથી નેપાળની એજન્સીઓને સોંપવામાં આવે તેવી શક્યતા છે.  

facebook twitter