મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં ભારતમાં ક્રૂડ ઓઈલ અને LPGની તંગી સર્જાશે ? સરકારે કહી આ વાત

08:29 PM Mar 06, 2026 | gujaratpost

નવી દિલ્હી: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે તેલ અને ગેસની અછતની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યાં છે. ન્યૂઝ એજન્સી ANI એ સરકારી સૂત્રોના હવાલેથી મહત્વની જાણકારી આપી છે કે ભારત પાસે ક્રૂડ ઓઈલ, ઓઈલ પ્રોડક્ટ્સ અને LPGનો ભંડાર અત્યંત સુરક્ષિત સ્થિતિમાં છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે, હોર્મુઝ ખાડીમાં ફસાયેલા એનર્જી સોર્સ કરતા આપણી પાસે રહેલો સ્ટોક ઘણો વધારે છે. જો ત્યાંથી સપ્લાયમાં કોઈ અવરોધ આવે, તો તેને પહોંચી વળવા માટે ભારત અન્ય વિસ્તારોમાંથી પોતાની સપ્લાય વધારવા જઈ રહ્યું છે.

ભારતની તેલની જરૂરિયાતો પૂરી કરવામાં રશિયા મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત રશિયા પાસેથી કુલ જરૂરિયાતના માત્ર 0.2 ટકા તેલ આયાત કરતું હતું. ફેબ્રુઆરીમાં આ આંકડો વધીને કુલ આયાતના 20 ટકા સુધી પહોંચી ગયો છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતે રશિયા પાસેથી પ્રતિદિન 1.04 મિલિયન બેરલ તેલની આયાત કરી છે.

સરકારે સ્પષ્ટતા કરી છે કે MRPL રિફાઈનરી બંધ હોવાના સમાચાર તદ્દન ખોટા છે અને ત્યાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.  ઉપરાંત તમામ રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સૂચના આપવામાં આવી છે. ઘરેલું માંગને પહોંચી વળવા માટે પેટકેમનો ઉપયોગ કરવામાં આવશે. જાન્યુઆરી મહિનાથી અમેરિકાથી પણ LPG ભારત આવવાનું શરૂ થઈ ગયું છે. ભારતીય PSU તેલ કંપનીઓએ વર્ષ 2026 માટે અમેરિકા સાથે 2.2 MTPA LPG આયાત કરવા માટે એક વર્ષનો કરાર સાઈન કર્યો છે.