સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર

07:54 PM Apr 17, 2026 | gujaratpost

મુખ્યમંત્રીના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા રોડ માર્ગે પ્રવાસ ખેડ્યો

ચૂંટણીના ટાણે જ ફરી એકવાર ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ મેદાનમાં આવ્યાં

સાઠંબાઃ અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સાઠંબા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. બાયડ હેલિપેડ પરથી ઉડાન ભરતા પહેલા જ પાયલોટને ક્ષતિ જણાતા, સુરક્ષાના કારણોસર ઉડાન ભરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.આ અણધારી સ્થિતિને કારણે મુખ્યમંત્રીએ પોતાનો આગળનો સાબરકાંઠાનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કરવાની ફરજ પડી હતી.

બીજી તરફ ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું જણાય છે. અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે, જેમાં મહિલા કાર્યકર્તાઓએ પક્ષ સામે પોતાનો ભારે બળાપો ઠાલવ્યો છે. સુરતમાં પણ  ઉધના બાદ હવે કતારગામ-વેડ વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવાર રઘુ ખૂંટને સ્થાનીક જનતાના ભારે વિરોધ અને રોષનો સામનો કરવો પડ્યો છે.

સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આક્રમક તેવર બતાવ્યાં હતા. તેમણે નામ લીધા વગર આમ આદમી પાર્ટી અને અન્ય વિરોધ પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, લુખ્ખા-ટપોરીઓનો વારો લાગી ગયો છે, હવે બીજાનો વારો આવશે. તેમના આ નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે.

વડોદરામાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે થયેલી ખેંચતાણ અને બબાલ બાદ, આજે કોંગ્રેસે 'લોકશાહી બચાવો'ના નારા સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું.

દરમિયાન રાજકોટમાં ચૂંટણીના ટાણે જ ફરી એકવાર ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ મેદાનમાં આવ્યાં છે, જે રાજકોટના રાજકારણમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.