ગંજમઃ ઓડિશામાં વરસાદી વાતાવરણમાં વીજળી પડવાથી છ મહિલાઓ સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકોમાં કોરાપુટમાં ત્રણ અને ગંજમ, જાજપુર અને ઢેંકનાલ જિલ્લામાં બે-બે લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગજપતિમાં એક વ્યક્તિનું મોત થયું હતું. IMDએ આગામી બે દિવસ માટે ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવારે ઓડિશાભરમાં અલગ-અલગ જગ્યાએ નોર્વેસ્ટર (કાલબૈસાખી) વાવાઝોડાએ ત્રાટક્યું હતું. આ દરમિયાન ભારે પવન અને મૂશળધાર વરસાદ થયો હતો.
કોરાપુટ જિલ્લામાં અચાનક આવેલા વાવાઝોડાને કારણે લક્ષ્મીપુર વિસ્તારમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં ઓડિયાપેન્ટા પંચાયતના પોર્ડીગુડા ગામની એક વૃદ્ધ મહિલા અને તેની પૌત્રીનો પણ સમાવેશ થાય છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મૃતક મહિલાની ઓળખ 60 વર્ષીય બુરુડી મંડિંગા અને તેની પૌત્રી કાશા મંડિંગા તરીકે થઈ છે.
કોરાપુટના કુંભરાગુડા ગામના રહેવાસી અંબિકા કાશીનું પણ ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાથી મોત થયું હતું. જ્યારે, ગંજમમાં, વાવાઝોડાએ ભંજનગરના બેલાગુંઠામાં એક યુવતી અને કબીસૂર્યનગરમાં એક સગીરનો જીવ લીધો હતો. તેવી જ રીતે, ઢેંકનાલ જિલ્લાના કામાખ્યાનગર બ્લોકના કુસુમંડિયા ગામમાં વીજળી પડવાથી વધુ એક મહિલાનું મોત થયું હતું. જિલ્લાના ગોંડિયા પોલીસ સીમા હેઠળના કબેરા ગામમાં એક યુવકનું મોત થયું હતું. હવામાન વિભાગ દ્વારા આજે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ લોકોને વીજળીના કડાકા ભડાકા થતા હોય ત્યારે સાવધાની રાખવા જણાવાયું છે.