સુરત: શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટના વોશરૂમમાં મહિલાઓના ગુપ્ત વીડિયો ઉતારવાના કિસ્સામાં પોલીસે એક સફાઈકર્મીની ધરપકડ કરી હતી. આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા.
ગત રવિવારે, પીપલોદની કે. ચારકોલ રેસ્ટોરન્ટમાં એક મહિલા વોશરૂમમાં ગઈ હતી. તે દરમિયાન, તેની નજર વોશરૂમની ગ્રીલ પાછળ છુપાવેલા એક મોબાઇલ ફોન પર પડી. શંકા જતાં મહિલાએ તે ફોન તપાસ્યો, તો તેમાં તેનો વીડિયો રેકોર્ડ થઈ રહ્યો હતો. આ ઘટનાથી ચોંકી ગયેલી મહિલાએ તાત્કાલિક પોતાના મિત્ર અને રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરી હતી.
બાદમાં, આ મામલો પોલીસ સુધી પહોંચ્યો અને ઉમરા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રેસ્ટોરન્ટમાં સફાઈનું કામ કરતા સુરેન્દ્ર રાણા નામના શખ્સે આ કૃત્ય આચર્યું હતું. તપાસ દરમિયાન, સુરેન્દ્રના ચહેરાનો એક ભાગ પણ વીડિયોમાં કેદ થયો હતો, જેના આધારે પોલીસે તેની ઓળખ કરી હતી.
પોલીસે આરોપી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી અને તેનો ફોન કબજે કર્યો છે. ફોનની તપાસ કરતાં પોલીસને અન્ય પાંચ મહિલાઓના પણ ગુપ્ત વીડિયો મળી આવ્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. વધુ તપાસ માટે તેના બંને ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટનાએ રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વધારી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/