ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી

11:48 AM Dec 07, 2025 | gujaratpost

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાનની વાત

ખોડલધામ સંસ્થા નથી એક વિચાર છે : નરેશ પટેલ

રાજકોટ: સૌરાષ્ટ્રની ભૂમિ પર કાગવડ સ્થિત ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજનું ભવ્ય શક્તિ પ્રદર્શન દેખાયું, ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં સ્થાન પામેલા મંત્રીઓના સન્માન સમારોહ નિમિત્તે મોટી સંખ્યામાં પાટીદારો ખોડલધામ ખાતે ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ નરેશ પટેલને સરદાર પટેલ સાથે સરખાવ્યાં હતા.

ખોડલધામ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરીયા, કમલેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા પાટીદાર મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ આઈ ખોડલના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીનું સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હાલમાં કેન્સર હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. થોડા દિવસો પૂર્વે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ પણ ખોડલધામની મુલાકાતે આવ્યું હતું. હવે ભાજપના મુખ્યમંત્રી અને મંત્રીઓ સહિતના દિગ્ગજોની હાજરીથી ખોડલધામ ફરી એકવાર રાજકીય પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ અહીં દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સ્વયંસેવકો અને દર્શનાર્થીઓ હાજર રહ્યાં હતા.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, 562 રજવાડાઓને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું, તેમ લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલું કોલ્ડવોર આ કાર્યક્રમમાં સમાપ્ત થયું હોવાની ચર્ચાઓ છે. ઇફ્કોની ચૂંટણી બાદ જયેશ રાદડિયાએ અનેકવાર નામ લીધા વિના સમાજના અગ્રણીઓ પર નિશાન સાધ્યું હતું અને તેમને રાજકારણ કરવું હોય તો ખુલ્લા મેદાને આવવા માટે ટકોર પણ કરી હતી.