કોલકાતાઃ તારાતલા વિસ્તારમાં બુધવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રાન્સપોર્ટ ડેપો રોડ પર એક ત્રણ માળનું નિર્માણાધીન ગોડાઉન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 3 લોકોનાં મોત થયા છે. પોલીસના જણાવ્યાં અનુસાર, હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની શક્યતા છે. પોલીસ અને પ્રશાસનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
કોલકાતા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 10 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે. આ તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ અકસ્માત બ્રેસ બ્રિજ પાસે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જ્યારે ઇમારત પડી ત્યારે કાટમાળ નીચેથી લોકોની ચીસાચીસ અને મદદ માટેની બૂમો સંભળાઈ રહી હતી. બચાવ દળના સભ્યો ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસોમાં લાગેલા છે.
મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે ગોડાઉનની છતના સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું. ઇમારતના પહેલા અને બીજા માળનું માળખું તૈયાર થઈ ગયું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર બાંધકામ ચાલુ હતું. આ દરમિયાન અચાનક આખી ઇમારત તૂટી પડી હતી, જેના કારણે લોખંડના ભારે બીમ અને કોંક્રિટનો મોટો ઢગલો થઈ ગયો હતો અને ત્યાં કામ કરતા મજૂરો તેની નીચે દબાઈ ગયા હતા.
રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. કોલકાતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ (DMG), સિવિલ ડિફેન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે તૈનાત છે. સેનાના અધિકારીઓ પણ બચાવ કાર્યમાં જોડાયા છે. લોખંડના બીમ અને કોંક્રિટને કાપવા માટે ગેસ કટર અને વર્ટિકલ ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારે કાટમાળ હટાવવા માટે ક્રેન અને મોટા મશીનો લગાવવામાં આવ્યાં છે.