ભારત- અમેરિકા ટ્રેડ ડીલ પર મોદી સરકારે સંસદમાં શું આપ્યું મોટું નિવેદન ? Gujarat Post

06:26 AM Feb 04, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મંગળવારે સરકારે વિગતવાર નિવેદન બહાર પાડ્યું હતું. વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ડીલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં બંને દેશો આ અંગે સંયુક્ત નિવેદન જાહેર કરશે. ટ્રમ્પ દ્વારા ડીલની જાહેરાતને લઈને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર તેમણે કહ્યું કે, ટેરિફ (જકાત) ટ્રમ્પ દ્વારા લાદવામાં આવ્યો હતો, તેથી તેને હટાવવાની જાહેરાત પણ ટ્રમ્પ દ્વારા જ કરવામાં આવી છે.

પીયૂષ ગોયલે જણાવ્યું કે, આજે દરેક ભારતવાસી દેશભરમાં મોદીનો આભાર માની રહ્યાં છે. તેમણે અમેરિકા સાથે એક ખૂબ જ શાનદાર ટ્રેડ ડીલ કરી છે, જેની દેશવાસીઓ ઘણા મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. આ સમજૂતી દેશહિત અને જનહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે પીએમ મોદીના નેતૃત્વમાં તેને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. હું 140 કરોડ દેશવાસીઓ વતી પીએમ મોદીનો આભાર માનું છું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ ડીલ ભારતની અર્થવ્યવસ્થા, ભારતના 140 કરોડ નાગરિકો, દરેક ગરીબ, ખેડૂત, માછીમારો, ગામડામાં રહેતા યુવાનો અને મહિલાઓ - આ તમામ માટે અસંખ્ય તકો લાવશે. અમે આ બાબતે સંસદમાં બોલવા માંગતા હતા, પરંતુ અમે જે અશોભનીય દ્રશ્યો જોયા, જે રીતે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોએ આજે સદનમાં વર્તન કર્યું, હું તેની સખત નિંદા કરું છું. આ કારણે જ અમે સંસદને બદલે આજે તમને અહીં માહિતી આપી રહ્યાં છીએ.

પીયૂષ ગોયલે કહ્યું કે, પીએમ મોદીએ ટ્રમ્પ સાથેની તેમની મિત્રતાના આધારે જે ટ્રેડ ડીલ કરી છે, તે આપણા તમામ પડોશી દેશોમાં સર્વશ્રેષ્ઠ છે. આ દેશવાસીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ સંકેત છે. મહિનાઓથી અમારી ટીમ અમેરિકાના અધિકારીઓ સાથે સતત વાતચીત કરી રહી હતી. ઘણા જટિલ વિષયો અને સમસ્યાઓ હતી. ભારત પર 50 ટકા ટેરિફ લાગેલો હતો, જેના કારણે ઉદ્યોગ જગત અને ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. વિપક્ષી નેતાઓ પણ પૂછતા હતા કે ડીલ ક્યારે થશે? પીએમ મોદીએ ગઈકાલે એવી ડીલ કરી જે અમે મહિનાઓથી કરી શકતા નહોતા. ટ્રમ્પ સાથેની તેમની મિત્રતાને કારણે જ ભારતને આ ડીલ મળી છે.

તેમણે કહ્યું કે, આખો દેશ જાણે છે કે પીએમ મોદી હંમેશા ખેડૂતો, પશુપાલકો અને ડેરી સેક્ટર માટે ચિંતિત રહે છે અને તેમના હિતોનું રક્ષણ કરે છે. તેમણે હંમેશા કૃષિ અને ડેરી ક્ષેત્રને સંભાળ્યું છે અને ક્યારેય તેમના હિતો સાથે સમજૂતી કરી નથી. આ ડીલમાં પણ ભારતના જે સંવેદનશીલ ક્ષેત્રો છે તેને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. પરંતુ દુર્ભાગ્યની વાત છે કે રાહુલ ગાંધી જેવા નકારાત્મક વિચારધારા ધરાવતા નેતાઓ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમને દેશની પ્રગતિ સાથે કોઈ લેવાદેવા નથી. દેશનો કોઈ પણ નાગરિક આવી વિચારધારા સાથે જોડાવા માંગતો નથી. શું રાહુલ ગાંધીને દેશની પ્રગતિથી અદેખાઈ થાય છે ? તેમણે દેશને જવાબ આપવો પડશે.