શેરબજારને કારણે દેવું થઈ જતાં પતિએ પુત્ર-પત્નીની હત્યા બાદ ભર્યું ચોંકાવનારું પગલું
Crime News: ગાંધીનગર શહેરના સરગાસણમાં આવેલી શ્રી રંગ નેનોસિટીમાંકરુણાંતિકા સર્જાઈ હતી. શેર બજારને કારણે દેવું થઈ જતા યુવાને પત્નીની ગળે ટૂંપો આપીને હત્યા કર્યા બાદ પુત્રનું માથું તિજોરી સાથે પછાડીને હત્યા કરી દીધી હતી, ત્યારબાદ જાતે પણ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ઈન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સરગાસણ ખાતે આવેલી શ્રી રંગ નેનોસિટી વસાહતમાં મકાન નંબર આઈ-303 માં રહેતા મૂળ સુરેન્દ્રનગરના હરેશ કનુભાઈ વાઘેલા સેક્ટર 11માં આવેલા એમ્પાયર સલૂનમાં નોકરી કરે છે, તેમના પત્ની આશાબેન આસપાસના વિસ્તારમાં ઘરે રસોઈ બનાવવાનું કામ કરતા હતા તેમનો એકના એક પુત્ર ધ્રુવ સેક્ટર -7માં આવેલી શાળામાં અભ્યાસ કરતો હતો.
થોડા દિવસોથી કનુભાઈ નોકરી ઉપર જતા ન હતા અને દરમિયાનમાં સાંજના સમયે આ પરિવાર ઘરમાં હતો તે સમયે પાડોશમાં રહેતી સગીરાએ કોઈ કામ હોવાથી તેણે હરેશભાઈના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. ઘર અંદરથી બંધ હતું અને કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી જોરથી ધક્કો મારતા દરવાજો ખુલી ગયો હતો. ઘરનો દરવાજો ખુલતાં જ અંદરનું દ્રશ્ય કાળજુ કંપાવી દે તેવું હતું. હરેશભાઈના હાથમાંથી લોહી નીતરી રહ્યું હતું અને તેઓ બેભાન જેવી હાલતમાં હતા. તેમનાં પત્ની આશાબેનના શરીરમાં જીવ રહ્યો ન હતો અને તેમની બાજુમાં જ પાંચ વર્ષનો દીકરો ઘાયલ અવસ્થામાં હતો. પાંચ વર્ષના બાળકના માથામાંથી લોહી વહી ગયું હતું અને તે પણ જીવિત રહ્યો ન હતો. આસપાસના પડોશીઓ પણ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા ઈન્ફોસિટી પોલીસ અને એફએસએલની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આશાબેનની ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી. માસૂમ દીકરાનું માથું ક્રૂરતાપૂર્વક તિજોરી સાથે અથડાવી તેને મારી નાખવામાં આવ્યો હતો. જેના કારણે તિજોરી પર લોહીના ડાઘા હતા. પત્ની અને દીકરાની હત્યા બાદ હરેશભાઈએ તિક્ષ્ણ હથિયારથી હાથની નસો કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળેથી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં શેરબજારમાં દેવું થઈ જવાથી હરેશભાઈએ આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ છે. હરેશભાઈને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/