- કન્ટેનરોમાં થયો વિસ્ફોટ
- ધડાકાનો અવાજ 50 કિલોમીટર દૂર સુધી સંભળાયો
- ઘટના સ્થળેથી લોકોના બહાર કાઢવા, તેમજ આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયાસો શરૂ
ઈરાનઃ ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગવાની ઘટના બની છે. આ ધડાકામાં 40 લોકોનાં મોત અને 1000 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યાં છે. અધિકારીઓએ વિસ્ફોટ ભયાનક હોવાનું કહ્યું છે. ઈરાની મીડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 1000 પર પહોંચી ગઈ છે, ઘાયલોમાંથી અનેક લોકોને હોર્મોજગાન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનામાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
આ હુમલો ઇઝરાયેલની સંસ્થા મોસાદે કરાવ્યો હોવાની ચર્ચાઓ
અધિકારીએ કહ્યું કે, રાજઈ પોર્ટ સ્થિત કન્ટેનરોમાં વિસ્ફોટ થયો છે. ઘટના સ્થળે ચોતરફ અફરાતફરી મચી છે. અહીં એમ્બ્યુલન્સોની ટીમો દોડાવાઈ છે. રાહત અને બચાવ દળે પણ ઘટના સ્થળે પહોંચી બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. જ્યારે પોલીસની ટીમ સહિત અન્ય ટીમો દ્વારા આસપાસની જગ્યાઓ ખાલી કરાવાઇ રહી છે.
પોર્ટ પર જ્વલશીલ પદાર્થનો જથ્થો હતો, જેમાં આગ લાગવાને કારણે આ ભયાનક વિસ્ફોટ થયો છે. હાલ પોર્ટ પર અન્ય જ્વલશીપ પદાર્થો ભરેલા કન્ટેનર હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગ વિકરાળ હોવાથી બચાવકાર્યમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. બીજી તરફ અન્ય કન્ટેનરોમાં પણ ક્રુડ ઓઈલ અને પેટ્રોલિયમ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાથી મોટા ખતરાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.