નવી દિલ્હીઃ દેશમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ એકલા હાથે બહુમત જેટલી સીટ લાવી શક્યું નથી, જેને લઈ સાથી પક્ષોનો સાથ લઈ સરકાર રચવી પડશે. આ રાજકીય ગરમી વચ્ચે હવામાન વિભાગે દેશમાં ઘણા રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે.
દેશના પૂર્વી ભાગો, ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશના અલગ-અલગ ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી હીટ વેવની સ્થિતિ જોવા મળશે. બીજી તરફ ઓડિશામાં ભીષણ ગરમીના કારણે અત્યાર સુધીમાં 36 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાયા હતા. મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. આ સમયગાળા દરમિયાન, ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો અને અડીને આવેલા મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 43-46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2-4 ડિગ્રી વધારે હતું.
હવામાન વિભાગે જે વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી રાત્રે ગરમીની લહેર અને હીટવેવની ચેતવણી આપી છે તેમાં પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાના મોટાભાગના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં 9 જૂન સુધી ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે. 6 થી 9 જૂન સુધી ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં ગરમીનું મોજું પ્રવર્તી શકે છે. રાત્રે પણ ગરમીનો અનુભવ થશે અને ભેજનું પ્રમાણ પણ રહેશે.
ઓડિશા ભારે ગરમીની ઝપેટમાં છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં હીટ વેવ અને અન્ય ગરમી સંબંધિત રોગોને કારણે 36 લોકોનાં મોત થયા છે. બુધવારે જારી કરાયેલા એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગરમી સંબંધિત બીમારીઓને કારણે 151 લોકોનાં મોત થયા છે. જેમાંથી 36 લોકોના મોત હીટ વેવને કારણે થયાની પુષ્ટિ થઈ હતી, પરંતુ 31 લોકોના મોતનું કારણ હીટ વેવ હોવાનું જાણવા મળ્યું નથી. 84 કેસના રિપોર્ટ આવવાના બાકી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526