ગાંધીનગરઃ ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. ગાંધીનગરમાં મહિલા ડોક્ટર પાસેથી 19.24 કરોડ રૂપિયા પડાવી લેવાયા છે. CID સાયબર સેલે સુરતમાંથી આરોપી લાલજી બલદાણીયાની ધરપકડ કરી લીધી છે. આ ગેંગે ત્રણ મહિના સુધી મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. મહિલાને PMLA, FeMA હેઠળ ફસાવવાની ધમકી આપીને જુદાજુદા રાજ્યોના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યાં હતા.
ગાંધીનગરમાં રહેતાં સિનિયર સિટિઝન ડોક્ટર મહિલાને ઇન્ટરનેશનલ ગેંગ અને ભારતની ગેંગે ભેગા મળીને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યાં હતા. આ ડિજિટલ અરેસ્ટ દરમિયાન તેને અલગ અલગ રીતે ડરાવવામાં આવી હતી, જેમાં તેની સામે FEMA અને PMLA એક્ટ હેઠળ ભારતમાં ગુનો નોંધાશે, એવી ધમકીભર્યા લેટર પણ મોકલવામાં આવ્યાં હતા. આંતરરાષ્ટ્રીય ગેંગે સિનિયર સિટિઝન મહિલા ડોક્ટરને એવી રીતે ડરાવવાની શરૂઆત કરી કે તમારા ફોનથી અપમાનજનક મેસેજ પબ્લિકલી વારંવાર પોસ્ટ થાય છે, તેથી તમારી સામે FIR દાખલ થશે. પછી તો ધીમે ધીમે અલગ અલગ રીતે સરકારી એજન્સીઓનાં નામના ખોટા લેટર મોકલી ઘરમાં પડેલું સોનું વેચાવી પૈસા પડાવ્યા હતા. બાદમાં લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી, એફડી તોડાવી અને વર્ષો પહેલા લીધેલા શેર પણ વેચાવી નાખ્યાં હતા. આ બધામાંથી જે રૂપિયા આવ્યાં એ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા.
આ બનાવ સામે આવતાં સાયબર સેલ પણ ચોંકી ઊઠ્યું હતું. ગાંધીનગરના સીઆઇડી ક્રાઇમના સાઇબર સેલે 35 જેટલા અલગ અલગ શખ્સો
સામે 16 જુલાઇના રોજ ડિજિટલ અરેસ્ટનો ગુનો નોધ્યો હતો. આ ઇન્ટરનેશનલ ગેંગે મહિલા પાસેથી 19.24 કરોડની રકમ પડાવી લીધી હતી.પોલીસના મત પ્રમાણે, આ ભારતનો પ્રથમ લાંબો ડિજિટલ અરેસ્ટ કેસ છે અને પહેલીવાર આટલી મોટી રકમનાં ટ્રાન્ઝેક્શન એક જ જગ્યાએથી થયાં હતા.