અમદાવાદઃ ફરી એક વખત ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. ગુજરાત એટીએસની ટીમે રાજસ્થાનમાં શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોઇતારા ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી લીધી છે.
એટીએસની ટીમને 40 કિલો લિક્વીડ મેફેડ્રોન(એમડી) ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સની કિંમત 40 કરોડ રૂપિયા જેટલી છે, સ્થાનિક પોલીસને સાથે રાખીને એજન્સીએ આ કાર્યવાહી કરી છે.
એટીએસે 6 આરોપીઓને પણ ઝડપી લીધા છે, જેઓ અહીં ડ્રગ્સની ફેક્ટરી ચલાવી રહ્યાં હતા અને અહીંથી દેશના જુદા જુદા રાજ્યોમાં ડ્રગ્સ સપ્લાય કરી રહ્યાં હતા. આરોપીઓમાં મોનું ઓઝા, ડુંગરસિંહ, ગોવિંદ સહિતના લોકો છે. આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમથી ડ્રગ્સ બનાવતા શીખ્યાં હતા અને પછી તેનું વેચાણ કરતા હતા.
હાલમાં એજન્સી તપાસ કરી રહી છે કે આ ફેક્ટરી કેટલાક સમયથી ચાલતી હતી અને ડ્રગ્સ કંઇ કંઇ જગ્યાએ સપ્લાય કરવામાં આવ્યું છે, હજુ આ કેસમાં અન્ય શખ્સોની પણ ધરપકડ થઇ શકે છે.