અમદાવાદઃ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સે મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. DGGIની તપાસમાં અત્યાર સુધીમાં 800 કરોડ રૂપિયાની હેરાફેરીની વાત સામે આવી છે. આ આંકડો વધી પણ શકે છે. કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોગસ બિલિંગ સાથે જોડાયેલી આ કાર્યવાહીને આ વર્ષની સૌથી મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.
ત્રણ અલગ-અલગ કેસોની તપાસ પછી DGGI ને જાણવા મળ્યું કે આરોપીઓ નકલી કંપનીઓ બનાવતા હતા, નકલી ડિરેક્ટરની નિમણૂંક કરતા હતા અને નકલી બિલ બનાવીને જીએસટી વિભાગમાંથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) લઈ લેતા હતા. હકીકતમાં ન તો માલ આવતો હતો, ન જતો હતો, માત્ર બેંકમાં પૈસા ફરતા હતા અને સરકારી તિજોરીને મોટો ચૂનો લગાડવામાં આવતો હતો. પહેલો કેસ અમદાવાદનો હતો, જેમાં અંદાજે 550 કરોડ રૂપિયાનું નકલી બિલિંગ કૌભાંડ સામે આવ્યું. આ મામલામાં DGGI એ બદરે આલમ પઠાણ અને તૌફીક ખાન નામના મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
બંને આરોપીઓ અમદાવાદમાં એએચ એન્જિનિયરિંગ વર્ક્સના નામથી એક ફર્મ ચલાવતા હતા. આરોપીઓએ મળીને કોઇના નામની કંપનીઓના જીએસટી નંબરનો ઉપયોગ કર્યો હતો. પહેલા આ કંપનીઓના સરનામા અને ડિરેક્ટર બદલવામાં આવ્યાં, પછી નકલી બિલિંગનો ગોરખધંધો શરૂ થયો હતો. આ નકલી બિલ મોટાભાગે અમદાવાદ, જામનગર, રાજકોટની સાથે મહારાષ્ટ્રમાં પણ અપાયા છે. સ્ક્રેપ અને સ્ટીલના આ બિલો બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે, આ મામલે હજુ વધુ ધરપકડ થવાની શક્યતાઓ છે.