ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી વિવિધ ભરતી પરીક્ષાઓને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આયોગે વિવિધ સંવર્ગની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાઓ માટેના કોલલેટર (હોલ ટિકિટ) ડાઉનલોડ કરવાની તારીખ અને પ્રક્રિયા જાહેર કરી દીધી છે.
આયોગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરીક્ષા માટેના કોલલેટર માત્ર ઓનલાઈન માધ્યમથી જ ઉપલબ્ધ થશે. ઉમેદવારોએ નીચે મુજબની પ્રક્રિયા અનુસરવાની રહેશે. ઉમેદવારોએ GPSCની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને કોલલેટર મેળવવાના રહેશે.
ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરવાની રહેશે. આયોગે ખાસ નોંધ આપી છે કે કોઈ પણ ઉમેદવારને પોસ્ટ કે અન્ય કોઈ ભૌતિક માધ્યમથી કોલલેટર મોકલવામાં આવશે નહીં. કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ તેમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર, તારીખ, સમય અને વ્યક્તિગત વિગતોની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી.
ઉમેદવારોએ પરીક્ષાના દિવસે કોલલેટરની પ્રિન્ટ સાથે રાખવી ફરજિયાત છે, તેના વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં. નવીનતમ માહિતી અને સૂચનાઓ માટે ઉમેદવારોને આયોગની વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ જાહેરાતથી આગામી સમયમાં પરીક્ષા આપનારા હજારો ઉમેદવારોને સમયસર તૈયારી કરવામાં અને પરીક્ષા કેન્દ્રની વિગતો મેળવવામાં સરળતા રહેશે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. લાંબા સમયથી તારીખોની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ જાહેરાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
GPSC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગોની પ્રીલિમ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, 2026 દરમિયાન તબક્કાવાર યોજાશે. આ પરીક્ષાઓમાં વહીવટી, ટેક્નિકલ તેમજ શિક્ષણ અને વિશેષ સેવાઓનાં પદોનો સમાવેશ થાય છે.