સોના-ચાંદીમાં જ્વાળામુખી ફાટ્યો: ચાંદી પ્રથમવાર 4 લાખને પાર, સોનાના ભાવમાં એક જ દિવસમાં રૂ.16,000નો તોફાની ઉછાળો

02:27 PM Jan 29, 2026 | gujaratpost

નવી દિલ્હી: રોકાણકારો માટે સુરક્ષિત ગણાતા સોના અને ચાંદીમાં આજે એવી તેજી જોવા મળી છે કે જેણે ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એકતરફ શેરબજારમાં કડાકો બોલી રહ્યો છે, બીજી તરફ કિંમતી ધાતુઓમાં 'રોકેટ' ગતિએ તેજી આવી છે. મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર આજે સોનું આશરે ₹ 16,000 વધ્યું છે, જ્યારે ચાંદી પ્રતિ કિલો ₹21,000ના ઉછાળા સાથે ₹4 લાખની ઐતિહાસિક સપાટી વટાવી ગઈ છે.

ચાંદીનો માર્ચ વાયદો પ્રતિ કિલો ₹21,276 વધીને ₹4,06,624 ના ઓલટાઇમ હાઈ સ્તરે પહોંચ્યું છે. સોનાનો એપ્રિલ વાયદો 10 ગ્રામ દીઠ ₹15,900 વધીને ₹1,93,096 ની નવી ઊંચાઈએ પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વૈશ્વિક સ્તરે સોનું 3 ટકા વધીને 5591 ડોલર અને ચાંદી 118 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને પરમાણુ કરાર મુદ્દે આપેલી ચેતવણીને પગલે રોકાણકારો સોના તરફ વળ્યા છે. તેમજ  યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરો યથાવત રાખતા અને ભવિષ્યમાં વધારાના સંકેત ન આપતા કિંમતી ધાતુઓને બળ મળ્યું છે.  આ ઉપરાંત ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે અને આજે ₹ 92 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેનાથી સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે.

માત્ર 21 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એટલે કે એક સપ્તાહમાં ચાંદીમાં ₹88,000 અને સોનામાં ₹33,000 નો તોતિંગ વધારો થયો છે. બજારમાં હાલ ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે સોના-ચાંદીમાં અત્યારે નવું રોકાણ કરતા પહેલા સાવધ રહેવું જોઈએ. અમેરિકી બેરોજગારીના આંકડા અને વૈશ્વિક તણાવને જોતા હજુ પણ ભાવમાં મોટા ઉતાર-ચઢાવ આવી શકે છે, તેથી ઉતાવળે રોકાણ કરવાથી બચવું જોઈએ.