Breaking News: પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા ડો.મનમોહનસિંહનું નિધન, PM મોદી સહિત અનેક નેતાઓએ વ્યક્ત કર્યું દુ:ખ

10:52 PM Dec 26, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા ડો.મનમોહનસિંહનું નિધન થયું છે, તેઓએ 92 વર્ષની ઉંમરે એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રિયંકા ગાંધી સહિતના અનેક નેતાઓ એઇમ્સ પહોંચ્યાં છે, રાહુલ ગાંધીએ તેમના આવતીકાલના બધા કાર્યક્રમ રદ્ કરી નાખ્યાં છે, રોબર્ટ વાડ્રાએ એક્સ પર પોસ્ટ કરીને ડો.મનમોહનસિંહને શ્રદ્ધાંજલી આપી છે.

ડો.મનમોહનસિંહ 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન પદે રહ્યાં હતા, તેઓ કોંગ્રેસની સરકારમાં નાણાંમંત્રી અને નાણાં સચિવ પણ રહી ચુક્યાં છે.1982 થી 1985 દરમિયાન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે પણ કામ કર્યું હતુ, તેઓ 1990માં નરસિમ્હા રાવ સરકારમાં નાણાંમંત્રી હતા, તે સમયે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તેમનું યોગદાન અગત્યનું રહ્યું હતુ.

ડો.મનમોહનસિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932માં થયો હતો. ડો.મનમોહનસિંહે પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં અભ્યાસ કર્યો હતો, ત્યાર બાદ તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમંથી ડી. ફિલની ડિગ્રી લીધી હતી, તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને યુપીએની સરકારમાં બે વખત દેશના વડાપ્રધાન રહ્યાં હતા.

Trending :