નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. ગુરુવારે સાંજે બેહોશ થઈ જતાં તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાં તેમણે રાત્રે 9.51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
પૂર્વ પીએમના નિધન પર સરકારે 7 દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. તેમના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ આજે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેમના અવસાન બાદ મનમોહન સિંહના પાર્થિવ દેહને એઈમ્સથી મોડી રાત્રે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. ડૉ.મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
મનમોહન સિંહની પુત્રી અમેરિકાથી પરત ફરી રહી છે
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે (28 ડિસેમ્બર) કરવામાં આવી શકે છે. મનમોહન સિંહના નિધનની માહિતી મળ્યા બાદ તેમની પુત્રી અમેરિકાથી દિલ્હી પરત ફરી રહી છે.
મનમોહને નાણામંત્રી બનવાના પ્રસ્તાવને મજાક ગણાવ્યો હતો
ડૉ.મનમોહન સિંહના રાજકારણમાં પ્રવેશની કહાણી ખૂબ જ રસપ્રદ છે. પીવી નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી બનવાની ઓફર સાથે ડૉ. મનમોહન સિંહને મોડી રાત જગાડીને આપી હતી. જે તેઓ માન્યા ન હતા અને બીજા દિવસે સવારે તેમની ઓફિસ ગયા હતા. જ્યારે શપથ લેવા માટે તેમને રાષ્ટ્રપતિ ભવન જવાનું હતું.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ આગામી 7 દિવસના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે આ જાણકારી આપી. તેમણે એક્સ પોસ્ટમાં કહ્યું, સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજીના સન્માનમાં કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી સહિત તમામ સત્તાવાર કાર્યક્રમો આગામી સાત દિવસ માટે રદ કરવામાં આવ્યા છે. પાર્ટીના કાર્યક્રમો 3 જાન્યુઆરી, 2025 ના રોજ ફરી શરૂ થશે.
રાહુલ ગાંધી અને ખડગે કર્ણાટકથી દિલ્હી પહોંચ્યાં
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે દિલ્હી પહોંચ્યાં છે. બંને કર્ણાટકના બેલગાવીથી દિલ્હી પહોંચ્યા છે. બેલગાવીમાં આજે કોંગ્રેસની રેલી યોજાવાની હતી, પરંતુ પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન બાદ તેને રદ્દ કરવામાં આવી હતી.
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ શોક વ્યક્ત કર્યો હતો
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે ભારતે તેમના સૌથી પ્રતિષ્ઠિત પુત્રોમાંથી એક ગુમાવ્યા છે. ડૉ. મનમોહન સિંહ અફઘાનિસ્તાનના લોકોના અતૂટ સાથી અને મિત્ર હતા. હું તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરું છું અને તેમના પરિવાર, સરકાર અને ભારતના લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તેમની આત્માને શાંતિ મળે.
#India has lost one of its most illustrious sons. #Dr_Manmohan_Singh was an unwavering ally and friend to the people of #Afghanistan. I profoundly mourn his passing and extend my deepest condolences to his family, the government, and the people of India.
— Hamid Karzai (@KarzaiH) December 26, 2024
May his soul find… pic.twitter.com/ZrY5bCFVIR
કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્ટીફન હાર્પરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, મારા ભૂતપૂર્વ સહયોગી વડા પ્રધાન મનમોહન સિંહના નિધનના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. તેઓ તેજસ્વી દિમાગ, પ્રામાણિકતા અને શાણપણના માણસ હતા. તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
I am saddened to learn of the passing of my former colleague, Prime Minister Manmohan Singh. He was an individual of exceptional intelligence, integrity, and wisdom. Laureen and I wish to convey our condolences to all his family and friends.
— Stephen Harper (@stephenharper) December 26, 2024
1971માં સરકારમાં પ્રવેશ
1971 માં, ડૉ. સિંહ ભારત સરકારમાં જોડાયા અને વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા. 1972માં તેમને નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તેઓ નાણા મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર, વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના અધ્યક્ષ જેવી પોસ્ટ્સ સામેલ છે.
1991 થી 1996 સુધી, ડૉ. સિંહ ભારતના નાણાં પ્રધાન હતા. આ સમય દરમિયાન તેમણે આર્થિક સુધારાની વ્યાપક નીતિ લાગુ કરી જેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ હતી. આ સુધારાઓએ ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું અને તેને નવી દિશા આપી. ડૉ.મનમોહન સિંહ 1991માં પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેમણે પાંચ વખત આસામનું પ્રતિનિધિત્વ કર્યું અને 2019માં રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા. 1998 થી 2004 સુધી, જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી, ત્યારે ડૉ. સિંહ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા હતા. તેમણે 1999માં દક્ષિણ દિલ્હીથી લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. 2004ની સામાન્ય ચૂંટણીઓ પછી તેઓ 22 મેના રોજ ભારતના વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા. તેમણે 2009માં બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા અને 2014 સુધી આ પદ પર રહ્યા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/