વડોદરાઃ એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. 350 સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો. ત્યાર બાદ 95 સ્ટુડન્ટને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની તબિયત સ્થિર છે. યુનિવર્સિટીના એસ.ડી હોલમાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓને ઝાડાં-ઉલટી થયા હતા. તબિયત લથડતા તમામને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. 95 વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખીર, પનીર અને દાળ-ભાત જમ્યા બાદ 350 વિદ્યાર્થીઓને મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો.
આ અંગે વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, મેં રાત્રે હોસ્ટેલમાં ભોજન લીધું હતું. જેમાં પનીર ભુરજી, ખીર, રોટલી અને ચાવલ ખાધા હતા. રાત્રે એક વાગ્યા પછી તબિયત લથડી હતી અને પેટમાં ખૂબ જ દુઃખતું હતું. હું હંસા મહેતા ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું.
એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે યુનિવર્સિટીના એસ.ડી હોલમાં જમ્યાં બાદ આ ઘટના બની હતી. ચાર હોલની દીકરીઓ મેસમાં જમી હતી.ત્યાર બાદ 300થી વધુ વિદ્યાર્થીનીઓમાંથી 70થી 80 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તમામની સ્થિતિ હાલ સારી છે. તેઓએ રાત્રે પનીરની સબ્જી અને દાળ-ભાત પાપડને બધું ખાધું હતું. આ બાબતે મેસમાં શું સ્થિતિ છે તે ચકાસી અને કાર્યવાહી કરીશું.