બીલીમોરામાં SMC ની ટીમ અને ગુંડાઓ વચ્ચે ફાયરિંગ, હથિયારોની આપ-લે કરવા આવેલા આરોપીને પગમાં ગોળી વાગી

07:28 PM Nov 11, 2025 | gujaratpost

નવસારીઃ બીલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને બિશ્નોઈ ગેંગના ગુંડાઓ વચ્ચે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. હથિયારની આપ-લે કરવા માટે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતાં SMCની ટીમ ત્યાં પહોંચી હતી.

SMCને બાતમી મળી હતી કે, મૂળ રાજસ્થાનના અને હાલ નવસારીના બીલીમોરામાં રહેતા બિશ્નોઇ ગેંગના બે શખ્સોને હરિયાણા અને મધ્યપ્રદેશના એક-એક શખ્સ હથિયાર આપવા આવ્યાં છે અને તેઓ હોટેલમાં રોકાયા છે. SMCની ટીમે બાતમીને આધારે હોટેલ પર દરોડા પાડ્યાં હતા.

હોટેલમાંથી રાજસ્થાનના બે આરોપીઓ મળી આવ્યાં હતા. તેમની પૂછપરછ કરતાં અન્ય બે આરોપીઓ (હરિયાણા અને મધ્યપ્રદેશના) નજીકમાં આવેલા મીની સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનું જાણવા મળ્યું. SMCની ટીમ મંદિરે પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એક આરોપીએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો.

પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં એક આરોપીને પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.