અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાવીને બિલ્ડર પાસે રૂ.10 કરોડ માંગ્યા, પત્રકાર સહિત બે લોકો ઝડપાયા

10:00 PM Jan 09, 2026 | gujaratpost

સુનિતા રાજપૂત, બીની ગીલ અને પત્રકાર અશ્વિન ચૌહાણનું ષડયંત્ર 

અમદાવાદઃ શહેરમાં હનીટ્રેપ દ્વારા નિર્દોષ લોકોને ફસાવી મોટી રકમ પડાવતી ગેંગનો સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. એક બિલ્ડરને પ્રેમજાળમાં ફસાવીને તેની અંગત પળોનો વીડિયો ઉતારીને 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં પોલીસે એક અખબારના તંત્રી અને મહિલાની ધરપકડ કરી છે.

આ કેસની વિગતો મુજબ, મુખ્ય આરોપી મહિલાએ ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો, સ્પાય કેમેરાનો ઉપયોગ કરીને તેની સાથેની અંગત પળોનો વીડિયો શૂટ કરી લેવામાં આવ્યો હતો. આ વીડિયોને આધારે મહિલા અને તેના સાથીદાર પત્રકારે યુવકને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

આરોપીઓએ વીડિયો વાઈરલ ન કરવા બદલ 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો રૂપિયા નહીં મળે તો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપી હતી. 

પીડિત યુવકે હિંમત દાખવીને સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ન્યૂઝ પેપરના તંત્રી અને માસ્ટરમાઇન્ડ મહિલાને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી મોબાઈલ, કોમ્પ્યુટર અને અન્ય ડિજિટલ ડિવાઈસ કબ્જે કરવામાં આવ્યાં છે. આ ગુનામાં સામેલ મહિલાનો બોયફ્રેન્ડ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.