પાલીતાણામાં પોલીસ સ્ટેશનમાં જ આપઘાત, તપાસ માટે આવેલા આધેડે ટોઇલેટમાં ઝેરી દવા પી લીધી !

02:05 PM Nov 28, 2025 | gujaratpost

ભાવનગરઃ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ માટે લાવવામાં આવેલા એક આધેડ વ્યક્તિએ પોલીસ સ્ટેશનના પરિષરમાં જ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે (ગુરુવારે) યોગેશભાઈ દેવચંદભાઈ દોઢીયા (ઉંમર વર્ષ 53) નામના વ્યક્તિને પાલીતાણા ટાઉન પોલીસે કોઈ તપાસના કામે પોલીસ સ્ટેશન ખાતે લાવ્યાં હતા. દરમિયાન, યોગેશભાઈ પોલીસ સ્ટેશનના ટોઇલેટમાં ગયા હતા અને ત્યાં તેમણે અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. ઝેરની અસર થતાં તેઓ પોલીસ સ્ટેશનમાં જ ઢળી પડ્યાં હતા.

યોગેશભાઈની તબિયત અચાનક લથડતાં પોલીસે તેમને તાત્કાલિક પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે, તેમની હાલત વધુ ગંભીર બનતાં તેમને વધુ સારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. સહિતના અધિકારીઓ ભાવનગર દોડી આવ્યાં હતા. આ સમગ્ર બનાવ અંગે પોલીસ કસ્ટડી- તપાસ હેઠળ આપઘાતની ગંભીરતાને જોતાં ઉચ્ચ સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે.