(file photo)
- ફિલ્મી દ્રશ્યો સર્જાયા: કાર અથડાઈ અને હુમલો થયો
- રૂ. 25 લાખનું ડ્રગ્સ જપ્ત
- PSI હોસ્પિટલમાં સારવાર હેઠળ
અમદાવાદ: ભાટ ગામ વિસ્તારમાં ગત મોડી રાત્રે ડ્રગ્સ માફિયાઓ સામેની કાર્યવાહી દરમિયાન હિંસક ઘટના બની હતી. બાતમીને આધારે એમડી ડ્રગ્સ પકડવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક PSI ઇજાગ્રસ્ત થયા છે.
ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને ભાટ ગામ પાસેથી પસાર થવાનો છે. પોલીસે વોચ ગોઠવીને આરોપીની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ કાર ઊભી રાખવાને બદલે ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન પોલીસની ગાડી અને આરોપીની કાર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયો હતો.
અકસ્માત થતાં જ આરોપી કારમાંથી નીચે ઉતર્યો હતો અને પોલીસ ટીમ પર તૂટી પડ્યો હતો. તેણે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે PSI પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલામાં PSIને ઈજાઓ પહોંચી હતી, જો કે અન્ય પોલીસકર્મીઓએ સતર્કતા દાખવી આરોપીને દબોચી લીધો હતો.
પોલીસે આરોપીની કારની તલાશી લેતા તેમાંથી અંદાજે 300 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 25 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. પોલીસે ડ્રગ્સનો જથ્થો અને કાર જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
છરીના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા PSIને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.