સુરતઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. જો કે આ વખતે સત્તાધારી પક્ષ ભાજપ માટે આ વખતનો જંગ લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો હોય તેમ જણાય છે. શહેરના વોર્ડ નં-૩ (વરાછા) વિસ્તારમાં ભાજપના ઉમેદવાર અને અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા પટેલના પ્રચાર અર્થે નીકળેલી ટીમને આજે જનતાના ભારે રોષનો ભોગ બનવું પડ્યું હતું. ગ્રીન ઝોન સોસાયટીમાં પ્રચાર માટે પહોંચેલા અલ્પેશ કથીરિયા સામે સ્થાનિક પાટીદારોએ સવાલોનો મારો ચલાવતા વાતાવરણ તંગ બન્યું હતું.
સોસાયટીમાં પ્રવેશતા જ અલ્પેશ કથીરિયાને અપેક્ષિત સ્વાગતને બદલે સ્થાનિકોના તીખા વેણ સાંભળવા મળ્યા હતા. પાટીદાર યુવાનોએ જૂની યાદો તાજી કરાવતા નેતાઓને રોકડું પરખાવ્યું હતું કે, આંદોલન વખતે અમે લાઠીઓ ખાધી છે, તો આજે જ્યારે અમે પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે તમે ભાગી કેમ જાઓ છો? યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે જે સમાજની શક્તિના જોરે નેતાઓ સત્તામાં બેઠા છે, તે શક્તિનો ઉપયોગ હવે જનહિતમાં કેમ નથી થતો?
પ્રચાર દરમિયાન સોસાયટીમાં વગાડવામાં આવી રહેલા ડીજે સામે ગૃહિણીઓએ મોરચો માંડ્યો હતો. રસ્તાઓની બિસ્માર હાલત અને ખાડાઓના મુદ્દે રોષે ભરાયેલી મહિલાઓએ ડીજે બંધ કરાવી દીધું હતું અને ભપકાદાર પ્રચાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન જ્યારે મામલો બિચક્યો અને લોકોએ સવાલો પૂછવાનું શરૂ કર્યું, ત્યારે અલ્પેશ કથીરિયાની ટીમે લોકોને વીડિયો ઉતારતા અટકાવ્યા હતા અને અમે કોઈના દુશ્મન નથી, વીડિયો બંધ કરો તેમ કહી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો.
વાત માત્ર આંદોલન કે સન્માન પૂરતી મર્યાદિત ન રહેતા પાયાની સુવિધાઓ સુધી પહોંચી હતી. લોકોએ સવાલ કર્યો કે જો ભાજપની સત્તા છે તો સોસાયટીના રસ્તાના કામ કેમ અટકેલા છે? યુવાનોએ સરકારી શાળાઓની ગુણવત્તા અને ખાનગી શાળાઓની બેફામ ફી મુદ્દે નેતાઓને આડેહાથ લીધા હતા. નેતાઓએ સુરતમાં નવી શાળાઓ બની હોવાના દાવા કર્યા હતા, જેની સામે જનતાએ આ દાવાઓને માત્ર કાગળ પર ગણાવી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.
આમ, વરાછામાં થયેલો આ વિરોધ દર્શાવે છે કે મતદારો હવે માત્ર પક્ષના નામે નહીં, પણ કામના હિસાબના મુદ્દે નેતાઓને ઘેરી રહ્યા છે. સત્તામાં હોવા છતાં સ્થાનિકોનો આક્રોશ ભાજપ માટે આગામી દિવસોમાં ચિંતાનો વિષય બની શકે છે.