લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

08:01 PM Mar 11, 2026 | gujaratpost

વી દિલ્હીઃ લોકસભામાં સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, સ્પીકરની નિમણૂંક સમયે ગૃહના બંને નેતાઓ સાથે હાજર હતા.બંને નેતાઓએ અધ્યક્ષને ખુરશી પર બેસાડવાનું કાર્ય કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે વિપક્ષે સ્પીકરના પદ પર સવાલો ઉઠાવ્યા છે, પરંતુ હું કહેવા માંગુ છું કે સદન પરસ્પર વિશ્વાસ સાથે ચાલે છે.

ગૃહમંત્રી અમિત શાહે આ દરમિયાન જણાવ્યું કે અધ્યક્ષના નિર્ણય પર શંકા કરી શકાય નહીં. ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારે તમે અધ્યક્ષની નિષ્ઠા પર સવાલ ઉભા કરો છો, ત્યારે તેનાથી વધુ નિંદનીય બીજું કંઈ હોઈ શકે નહીં. અમિત શાહે કહ્યું કે સ્પીકર સદનના સંરક્ષક હોય છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, લગભગ ચાર દાયકા પછી ફરી એકવાર લોકસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે. આ સંસદીય રાજનીતિ અને સદન બંને માટે ચિંતાજનક ઘટના છે, કારણ કે સ્પીકર કોઈ પક્ષના નથી હોતા, તેઓ સદનના હોય છે.

ગૃહમંત્રી અમિત શાહે સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સદન નિયમોથી ચાલે છે, જ્યારે કોઈ મુદ્દા પર ચર્ચા થઈ રહી હોય, ત્યારે તે મુદ્દા પર જ પોતાની વાત રાખવામાં આવે છે. પરંતુ કેટલાક સભ્યો આ વાત સમજતા નથી. આવામાં સ્પીકરની ફરજ છે કે તેઓ તેમને અટકાવે અને તેમને નિષ્કાસિત કે સસ્પેન્ડ પણ કરી શકે છે. આ પહેલા તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભાજપ વિપક્ષમાં હતી, ત્યારે તેણે લોકસભામાં અધ્યક્ષ વિરુદ્ધ ક્યારેય અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો ન હતો.