અમદાવાદ: પોલીસકર્મીની કારે રિક્ષાને ટક્કર મારી, કારમાંથી મળી ચોંકાવનારી વસ્તુ

09:23 PM Sep 18, 2025 | gujaratpost

અમદાવાદ: વિશાલા સર્કલ પાસે બુધવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પોલીસકર્મીની કારે પૂરપાટ ઝડપે આવીને એક રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ ભેગા થયેલા લોકોએ પોલીસકર્મીને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

આ ઘટના સિટીગેટ બિલ્ડિંગ સામે બરફની ફેક્ટરી પાસે બની હતી. પૂરઝડપે આવી રહેલી કારે રિક્ષાને ટક્કર મારતા રિક્ષાચાલક બેભાન થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક 108 બોલાવી રિક્ષાચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

અકસ્માત કરનાર કારચાલક પ્રકાશ રબારી નામનો પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે, જે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેની કારમાંથી પોલીસની વર્દી સિવાય બિયરની બોટલ અને નંબર પ્લેટ મળી આવી હતી. સ્થળ પર હાજર લોકોએ પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે.

આ સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર પોલીસકર્મીઓના વર્તન અને ફરજ પર દારૂના સેવન જેવા ગંભીર મુદ્દાઓ પર સવાલો ઊભા કર્યા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++