તેહરાનઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને 48 દિવસની અનિશ્ચિતતા બાદ આખરે હોર્મુઝની ખાડીને લઈને મોટા સમાચાર આવ્યાં છે. ઈરાને આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ હવે કોમર્શિયલ જહાજોની અવરજવર માટે સંપૂર્ણપણે ખુલ્લો રહેશે અને તેમને આવવા-જવાની પૂર્ણ છૂટ આપવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.
આ પગલું લેબનાનમાં સીઝફાયર (યુદ્ધવિરામ) લાગુ થયા બાદ લેવામાં આવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે, લેબનાનમાં સીઝફાયર સમજૂતીને અનુરૂપ હોર્મુઝની ખાડીમાંથી તમામ કોમર્શિયલ જહાજોની અવરજવર સંપૂર્ણપણે ખોલી દેવામાં આવી છે. વિદેશ મંત્રીના જણાવ્યાં અનુસાર, આ નિર્ણય સીઝફાયરના બાકીના સમયગાળા માટે લાગુ રહેશે અને અગાઉ જાહેર કરાયેલા કોઓર્ડિનેટેડ રૂટ હેઠળ તમામ વ્યાપારી જહાજોને પસાર થવા દેવામાં આવશે. આ માર્ગ ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઈરાને હમણા જ જાહેરાત કરી છે કે ઈરાનની સામુદ્રધુની સંપૂર્ણપણે ખુલ્લી છે અને પસાર થવા માટે તૈયાર છે. આભાર. હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક માનવામાં આવે છે, જ્યાંથી વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે.
આ માર્ગ ખુલવાથી આંતરરાષ્ટ્રીય ઊર્જા બજાર અને શિપિંગ ઉદ્યોગને મોટી રાહત મળશે. નિષ્ણાતો માને છે કે આ પગલું પ્રાદેશિક તણાવ ઘટાડવા અને વ્યાપારી સ્થિરતા જાળવી રાખવા માટે એક હકારાત્મક સંકેત છે.