કોર્ટમાં કેસ ચાલતો હોવા છંતા દિવાલ તોડી પાડી, ગોપાલ ઇટાલીયા સામે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે ભાજપના લોકો
જૂનાગઢઃ ભેસાણ તાલુકાના હડમતીયા (વીશળ) ગામમાં ગત મોડી સાંજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. આ સમગ્ર વિવાદ એક દિવાલને લઈને ઊભો થયો હતો. જેને પગલે ગામમાં તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું. બંને પક્ષના વીડિયો પણ વાયરલ થયા છે.
ગોપાલ ઇટાલિયાએ હડમતીયા ગામે એક બહેનના ઘરની આગળ બનેલી બેલાની દિવાલ હટાવી હતી. ઇટાલિયાનો આરોપ છે કે ભાજપના માણસોએ આ દિવાલ બનાવી છે અને તેઓ ગામડામાં ગરીબ માણસો સાથે આટલી હદે અન્યાય કરી રહ્યા છે. ઇટાલિયાએ જણાવ્યું કે આ ગેટ 8 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે અને આ મામલે કોર્ટમાં 8 વર્ષથી કેસ ચાલી રહ્યો હોવા છતાં નિર્ણય નથી આવ્યો, તેમણે મામલતદાર સહિતના અધિકારીઓ પર ભાજપથી ડરવાનો આરોપ લગાવ્યો. ગોપાલ ઇટાલિયાએ પડકાર ફેંક્યો કે જો કોઈને તેઓ પાછા આવશે અને "એ દિવાલની જેસીબીનો એક ટલ્લો મારી દેશે. તેમણે વધુમાં કહ્યું કે "જે ભાજપવાળા મને ફાંસીએ ચડાવી દે હું જોઉં છું કોણ મને ફાંસીએ ચડાવે છે". તેમણે ગામના લોકોને તે બહેનને ટેકો આપવા વિનંતી કરી હતી.
ગોપાલ ઇટાલિયા દ્વારા દિવાલ હટાવવામાં આવ્યા બાદ, મોડી રાત્રે ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો દ્વારા ફરીથી બેલાની દિવાલ ખડકી દેવામાં આવી હતી. ભેસાણ તાલુકા ભાજપના ઉપ પ્રમુખે ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આ ગુંડાગીરી છે. ઇટાલિયા ગામમાં અશાંતિ ફેલાવે છે. આ મામલે હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે.