અમદાવાદઃ જાણીતા ગાયક જીગ્નેશ બારોટના પિતા હસમુખ બારોટે તેમના વતન સ્થિત ઘર આગળ સ્કૂટરને સમાધિ આપી હતી. તેમણે કહ્યું, મને સ્કૂટર જીવથી પણ વધારે વ્હાલું હતું. સ્કૂટર છેલ્લા કેટલાક સમયથી બંધ હતું અને તેને કાટ લાગી જાય ને બગડી જાય તેને બદલે સમાધિ આપી દેવી સારી.
તેમણે કહ્યું, સ્કૂટર પર અમે આટલાં વર્ષો સુધી સવારી કરી. સ્કૂટરે અમને સુખ-શાંતિ આપી અને અમારી પાસે કંઈ જ ન હતું અને પછી શૂન્યમાંથી સર્જન થયું તે માત્ર આ સ્કૂટરને આભારી છે. મા-બાપ ઘરડાં થાય તો તેને કંઈ આપણે ઘરડા ઘરમાં મૂકી આવવા ન જોઇએ. જે સ્કૂટરને આટલાં વર્ષો સુધી વાપર્યું હોય તેને કંઈ ભંગારમાં થોડું આપી દેવાય ? એટલે જ સમાધિ આપી.
જીગ્નેશ બારોટે કહ્યું સ્કૂટરને નિર્જીવ વસ્તુ ન હતા માનતા, પરંતુ અમારા માટે તે ભગવાન છે. અમે છેલ્લા કેટલાય સમયથી સ્કૂટર ચલાવતા ન હતા એટલે સ્વિચ ને સ્ટિયરિંગને બધું બરોબર ચાલતું ન હતું એટલે અમે આ સ્કટૂર કોઈને આપી શકવાની સ્થિતિમાં પણ નથી. અમારા ઘર આગળ આવેલા મંદિરમાં મહારાજ છે તો સમાધિ આપ્યાં બાદ સ્કૂટરની પણ રોજ પૂજા થાય ને રોજ દીવાબત્તી થાય, ભજન થાય ને સંતોના આશીર્વાદ મળે તે માટે સમાધિ આપી. અમે સમાધિની બાજુમાં આવેલી જગ્યાએ હોલ પણ બનાવવાના છીએ.
નવેમ્બર 2024માં અમરેલીના પાડરશિંગાના સંજય પોલરાએ કાર પ્રત્યેના પ્રેમને લઈ કારને સમાધી આપી હતી. સંતો-મહંતોની હાજરીમાં કાર માલિકે કારની યાદ રાખવા માટે સમાધી આપી હતી. આ અંગે કાર માલિકે જણાવ્યું હતું કે, વર્ષ 2013-14થી આ કાર અમારી સાથે છે. અમારા પરિવારના સારા અને ખરાબ સમયમાં આ કાર અમારી સાથે રહી હતી. આ કાર આવ્યાં બાદ જ અમારી પ્રગતિ થઈ હતી. જેથી કારનું વેચાણ કરવાને બદલે અમે અમારા ખેતરમાં 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને કારને સમાધી આપવાનો નિર્ણય લીધો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/