કિસાન મહા પંચાયતના સ્ટેજ પર શાર્પ શૂટર જોવા મળ્યો
ભુજઃ કચ્છ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ના હોદ્દેદારો કુખ્યાત ગેંગસ્ટરો સાથેના જોડાણને લઈને મોટા વિવાદમાં સપડાયા છે. હરિયાણાની ખતરનાક રોહિત ગોદારા અને નવીન બોક્સર ગેંગના શાર્પ શૂટરો સાથે આપના નેતાઓના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરક્ષા એજન્સીઓ અને રાજકીય આલમમાં હડકંપ મચી ગયો છે.
ગત 14 ડિસેમ્બરના રોજ ભચાઉના કટારીયા ગામે યોજાયેલી કિસાન મહા પંચાયતમાં ગુજરાત આપના દિગ્ગજ નેતાઓની હાજરી હતી. આ કાર્યક્રમ દરમિયાન હરિયાણાની ગેંગનો એક શાર્પ શૂટર સ્ટેજ પર ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો હતો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે કે આખરે કુખ્યાત ગુનેગાર રાજકીય સ્ટેજ સુધી કેવી રીતે પહોંચ્યો ?
વિવાદ માત્ર સ્ટેજ સુધી મર્યાદિત નથી, અન્ય કેટલીક ચોંકાવનારી તસવીરો સામે આવી છે. પૂર્વ કચ્છ જિલ્લા આપ પ્રમુખ ડો.કાયનાત અંસારીની ચેમ્બરમાં બંધ દરવાજે આરોપીને કેક ખવડાવતી તસવીરો વાયરલ થઈ છે. આ સેલિબ્રેશન કયા મુદ્દે હતું તે રહસ્ય બની રહ્યું છે. આપના મંત્રી સંજય બાપટ સાથે શાર્પ શૂટરને આશરો આપનાર વ્યક્તિની સોશિયલ મીડિયા રીલ પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ (ATS) અને પૂર્વ કચ્છ પોલીસે 21 ડિસેમ્બરના રોજ રાપરના નાગેશ્વર પાર્કમાંથી બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી હતી. વિકાસ ઉર્ફે ગોલુ જસબીરસિંઘ શેરોન અને ડિંકેશ ઉર્ફે કાલી પરમાનંદ ગર્ગ આ બંને આરોપીઓ હરિયાણાના ભીવાની કોર્ટ પરિસરમાં થયેલી હત્યાના કેસમાં વોન્ટેડ હતા.
આટલો મોટો વિવાદ અને પુરાવાઓ સામે આવ્યાં હોવા છતાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ હાલ આ મામલે મૌન સેવી લીધું છે. બીજી તરફ, તપાસ એજન્સીઓ આ નેતાઓની ગેંગસ્ટરો સાથેની મુલાકાતો અને આર્થિક વ્યવહારોની દિશામાં તપાસ કરે તેવી પ્રબળ શક્યતા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/