તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈને જતું હેલિકોપ્ટર રવિવારે ક્રેશ થયું હતું. ઘટનાના કલાકો પછી હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો છે.
ઈરાની મીડિયાએ કહ્યું છે કે રેસ્ક્યું ટીમોએ રાયસીના હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો છે. જો કે, રેડ ક્રેસેન્ટે રાષ્ટ્રપતિ અને તેમના સાથી બચી ગયા કે કેમ તે અંગે માહિતી આપી નથી. અન્ય ઈરાની મીડિયા અનુસાર, અકસ્માત સ્થળ પર કોઈના જીવિત હોવાના સંકેત નથી.
રાષ્ટ્રપતિ રાયસી સાથે હેલિકોપ્ટરમાં કોણ સવાર હતા ?
ઈરાની સમાચાર એજન્સી તસ્નીમે અહેવાલ આપ્યો છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીની સાથે હેલિકોપ્ટરમાં વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી, તબરીઝના રોયલ ઈમામ મોહમ્મદ અલી અલહાશેમ તેમજ પાઈલટ, સહ-પાઈલટ, ક્રૂ ચીફ હતા, સુરક્ષા વડા અને એક સુરક્ષા ગાર્ડ સવાર હતા.
ઈરાનના રાષ્ટ્રપતિની સાથે વિદેશ મંત્રી અને ઘણા ટોચના નેતાઓ પણ હેલિકોપ્ટરમાં સવાર હતા
અકસ્માત અંગે વધુ માહિતી મળી શકી નથી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીની સાથે ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દોલ્લાહિયન પણ કાફલાના હેલિકોપ્ટરમાં સવાર હતા. ઈરાની મીડિયા અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા, તેમાંથી બે હેલિકોપ્ટર સલામત હતા.
ડુંગરાળ વિસ્તારને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી
અહેવાલો અનુસાર પાઇલટે હેલિકોપ્ટર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે અકસ્માત થયો હતો. બચાવ કાર્ય માટે 16 ટીમો તૈનાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી (63 વર્ષ) પૂર્વ અઝરબૈજાન જઈ રહ્યાં હતા. આ અકસ્માત અઝરબૈજાનના સરહદી શહેર જોલ્ફા પાસે થયો હતો, જે ઈરાનની રાજધાની તેહરાનથી 600 કિલોમીટર દૂર છે. તેઓ રવિવારે વહેલી સવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘઘાટન કરવાના હતા. આ ત્રીજો ડેમ છે જે બંને દેશોએ આરસ નદી પર બાંધ્યો છે. પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર પણ રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/