Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં

01:26 AM Apr 17, 2026 | gujaratpost

સ્ટોરીઃ મહેશ. R પટેલ

સ્ટેટ જીએસટીની પથારી ફેરવનારા ભ્રષ્ટાચારીઓ સામે CMO હજુ સુધી ચૂપ કેમ ? મહેસાણા ઓફિસના અધિકારીએ તમાકુના ધંધામાં કેવી રીતે કર્યો તોડ ? 

અમદાવાદઃ સ્ટેટ જીએસટી કમિશનરની જવાબદારી નિભાવવા માટે IAS આરતી કંવરને થોડો જ સમય મળ્યો અને તેમની દિલ્હીમાં બદલી થઇ ગઇ, સ્વચ્છ છબી ધરાવનારા આરતી કંવરની તેમના જ વિશ્વાસુ અધિકારીઓએ છબી ખરાબ કરી નાખી, સમજો નીચેના કેટલાક મુદ્દાઓ જેનાથી સ્ટેટ જીએસટી વિભાગની આબરુના ધજાગરા થઇ ગયા તેમ છંતા ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર હજુ સુધી કંઇ મોટું ઉખાડી શકી નથી.

સ્ટોરી- 1 શામળાજી બોર્ડર પર ગુટખા- તમાકુ- પાનમસાલાની ગાડીઓ મોટા પાયે પકડી અને સૌનું ધ્યાન ભટકાવીને બીજી બોર્ડર ખોલી નાખવામાં આવી.

રાજસ્થાન બોર્ડર હોવાને કારણે શામળાજીથી પાનમસાલા, તમાકુ, ગુટખા સહિતની કોમોડિટીનું પરિવહન થાય છે, અહીં પહેલા લોખંડનો સ્ક્રેપ સહિતની કોમોડિટીનું પણ પરિવહન થતું હતુ, પરંતુ છેલ્લા 8 મહિનાઓમાં અહીં પાનમસાલા અને ગુટખા, તમાકુંની ગાડીઓ પકડીને સ્ટેટ જીએસટી વિભાગે નવો રેકોર્ડ બનાવી દીધો, કરોડો રૂપિયા સરકારી તિજોરીમાં આવ્યાં તે સ્વીકારવું પડે, ખાસ કરીને વિમલ, તાનસેન, સિગ્નેચર, મિરાજ, દિલબાગ, કમલાપસંદ, રજનીગંધા જેવી કંપનીઓ અને વિજાપુરના તમાકુના વેપારીઓને મસમોટો દંડ ફટકારવામાં આવ્યો, પરંતુ નવાઇની વાત તો એ છે કે આ મસમોટી કંપનીઓને ત્યાં દરોડા કરીને કરોડો રૂપિયાની ટેક્સચોરી વસૂલવા કોઇ ખાસ કાર્યવાહી કરાઇ નથી, માત્ર દંડ અને જીએસટીની વસૂલાત ગાડી પુરતી જ કરી નાખવામાં આવી, જે શંકાસ્પદ બાબત છે. (પહેલા કરેલી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી નજરઅંદાજ કરવામાં આવી) 

સ્ટોરી- 2 શામળાજી બોર્ડર બંધ કરીને સ્ક્રેપ અને સળિયાના વેપારીઓ માટે અમીરગઢ બોર્ડર પર છૂટ આપી દેવાઇ

સૌ કોઇની નજર શામળાજી બોર્ડર પર હતી અને તમાકુ- પાનમસાલા- ગુટખામાં એક પછી એક ગાડીઓ પકડીને તેમને દંડ ફટકારવામાં આવ્યો, પરંતુ બીજી તરફ ત્રણ- ચાર અધિકારીઓએ મળીને એવી ગેમ રમી કે ખુદ સીએમઓના અને નાણાંવિભાગ પણ ચકડોળે ચઢી જાય, બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર સ્ક્રેપ, સળિયાની ગાડીઓ ધમધોકાટ નીકળવા લાગી, મહેસાણા ઓફિસના એક ઉચ્ચ અધિકારીને હજુ પણ સિગારેટની ગાડી યાદ જ હશે, આ ગેમ અમદાવાદ બેઠેલા કેટલાક અધિકારીઓએ ગોઠવી અને સ્થાનિક દલાલોની મદદથી આ ગાડીઓમાં મલાઇ મળવા લાગી, આ કેસમાં સીએમઓએ તપાસ કરવી જોઇએ કે અમીરગઢ બોર્ડર પર અમદાવાદના વટવા, કઠવાડા, રખિયાલ, સુરત, ભાવનગર, વિજાપુરની સ્ક્રેપની ગાડીઓ કંઇ રીતે નીકળે છે અને આ કૌભાંડમાં મહેસાણા અને અમદાવાદના વેરા ભવનના કયા અધિકારીઓની સંડોવણી છે. એક રીતે લોકોની નજર શામળાજી પર હતી અને બીજી બોર્ડર અમીરગઢ પર ભ્રષ્ટ અધિકારીઓએ પોતાનો ખેલ શરૂ કરી દીધો.

સ્ટોરી- 3 અધિકારીઓએ પરિવારના નામે કંપની બનાવવાની શું જરૂર પડી ? લાઇવ માલની હેરાફેરી ન પકડનારા અધિકારીઓને પણ ઘરભેગા કરો 

બે અધિકારીઓએ ઇમાનદારીનો ઢોંગ રચીને ગાંધીનગરમાં કોપરની ગાડીમાં જાતે જઇને ખેલ કરી નાખ્યો, અને કચ્છના ઉચ્ચ અધિકારી પાસે મોરબીમાં મસમોટો ખેલ કરાવડાવ્યો, આ બંને અધિકારીઓએ પરિવારના નામે કંપની બનાવી અને લાખો રૂપિયાનું રિફંડ લઇ લીધું, જ્યાં કંપનીનું સરનામું છે ત્યાં ગાંધીનગરમાં ખરેખર ઓફિસ ચાલે છે કે બીજું કંઇ તેની જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તપાસ પણ ન કરી, આ મામલે તપાસના ગુપ્ત પત્રો ડિપાર્ટમેન્ટમાં ફરતા થયા, પરંતુ સાચું બોલનારા અધિકારીની બદલી કરી નાખવામાં આવી. સરકાર જો આ કંપનીની ખરીદી અને એક્સપોર્ટના ડેટા અને ઇમાનદાર અધિકારીઓની મદદથી તપાસ કરવે તો કરોડો રૂપિયાના રિફંડનું કૌભાંડ ઉજાગર થશે તે ચોક્કસ છે. (સાથે જ વિદેશમાં પણ કોઇ કંપનીનું અસ્તિત્વ છે કે નહીં તે પણ તપાસનો વિષય છે)

(શામળાજીમાં તમાકુ - પાનમસાલાની એ ગાડીનો ફોટો છે જેને પહેલા છોડીને પછી પકડવી પડી અને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો)

સ્ટોરી-4 એક ઉચ્ચ અધિકારી ફાઇનાન્સ સેક્રેટરીને પણ મુર્ખ બનાવી શકે છે, ગાડી છોડવા દબાણ કર્યું પણ કામ ન આવ્યું 

થોડા મહિનાઓ પહેલા અમદાવાદમાં પાન-મસાલાની એક ગાડી પકડી હતી, તે ગાડી છોડવા કર્મચારી પર વેરાભવનમાંથી જ દબાણ કરાયું હતુ આ ઉચ્ચ અધિકારીએ આ ગાડીનું બિલ પોતાની સિસ્ટમમાંથી જ ઓકે કરી નાખ્યું હતુ અને પછી એવું બહાનું કાઢવામાં આવ્યું કે મોબાઇલમાં ઉપર નીચે કરતા ઓકે થઇ ગયું હતુ, આ અધિકારીનું ચાલે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાણાં સેક્રેટરીને પણ મુર્ખ બનાવે તેવી તેમની ક્ષમતા છે. આ ગાડીમાં એક પાર્સલમાં લાખો રૂપિયાનો દંડ કરાયો અને બીજામાં ખુબ નાની રકમનો દંડ કરાયો, આ પેઢી અને ડ્રાઇવરના સ્ટેટમેન્ટની ખરેખર તપાસ કરવામાં આવે તો આ ઉચ્ચ અધિકારીને ઘરભેગા કરતા નાણાં મંત્રાલયને એક કલાકનો પણ સમય ન લાગે. (આ ગાડીમાં ગીરીશ એન્ટરપ્રાઇઝ ટુ ધ્યાન એન્ટરપ્રાઇઝનો માલ હતો)

સ્ટોરી- 5 ઇમાનદારીની મસમોટી વાતો કરનારા અધિકારીના ત્રાસથી નાના કર્મચારીઓ ત્રાહિમામ

વેરાભનવનમાં બેસીને ઇમાનદારીની આડમાં ગોરખધંધા કરનારા આ અધિકારીએ થોડા મહિનાઓ પહેલા એક મીટીંગમાં પોતાના જ ઇમાનદાર અધિકારીની ઝાટકણી કાઢી નાખી હતી, બધાની વચ્ચે પોતાના જ સ્ટાફને અપમાનિત કરીને ઇગો સંતોષ્યો હતો. કદાચ આવું વર્તન આ અધિકારીનો શોખ બની ગયો હશે. પરંતુ જે અધિકારીને અપમાનિત કર્યો હતો તેમને ગાંધીનગર ફાઇનાન્સ વિભાગમાં અને ઉચ્ચ કક્ષાએ પત્ર લખીને ન્યાય માંગ્યો, જો કે આજદિન સુધી આ અધિકારીને ન્યાય મળ્યો નથી, જો કે પરિવારના સભ્યોને નામે કંપની અને અમીરગઢની મલાઇના કૌભાંડ સાથે આ પત્ર પણ જોડી દેવો જોઇએ અને તનતોડ મહેનત કરનારા સ્ટેટ જીએસટી વિભાગના કેટલાક ઇમાનદાર કર્મચારીઓ-અધિકારીઓને ન્યાય અપાવવો જોઇએ.

સ્ટોરી-6 વિજાપુરના વેપારીઓ પરેશાન કે અધિકારીઓ સાથે મળીને સરાકરી તિજોરીમાં લૂંટ ?

વિજાપુર તમાકુનું મોટું કેન્દ્ર છે અને દરરોજની કરોડો રૂપિયાની તમાકુની ગાડીઓની અહીંથી અવર જવર થાય છે, કેટલાક દલાલોની મદદથી શામળાજી બોર્ડર પરથી આ ગાડીઓ જાય છે અને નડિયાદ બાજુ પણ જાય છે, થોડા સમય પહેલા જ વિજાપુરમાં સ્ટેટ જીએસટીના અધિકારીઓએ તપાસ કરી હતી અને કેટલાક વેપારીઓને હિસાબોમાં ગડબડ હોવાનું કહીને દમ માર્યો હતો, આ બધુ એક ઉચ્ચ અધિકારીના કહેવાથી કરાયું હોવાનું નીચેના એક કર્મચારીએ પોતે બચવા રટણ કર્યું હતુ, કદાચ તેમના ઉચ્ચ અધિકારી યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આવ્યાં હોય તેવા વહેંમમાં હશે, બીજી તરફ અહીં વેપારીઓ તમાકુમાં મોટી જીએસટી ચોરી કરી રહ્યાં હોવાના અનેક કિસ્સા છે. જેથી તેઓ અધિકારીની માંગ પ્રમાણે રૂપિયા આપી દેતા હોય છે, જો કે આ તો ગેંગ બનાવીને સરકારી તિજોરીમાં લૂંટ થતી હોય તેમ લાગી રહ્યું છે. આ મામલે રાજ્ય સરકારે ભ્રષ્ટ અધિકારીઓ અને ટેક્સ ચોરી કરનારા તમાકુના વેપારીઓ સામે કાર્યવાહી કરવી જોઇએ

સ્ટોરી-7 ઇમરાને એક ઉચ્ચ અધિકારી સાથે મળીને વર્ષો પહેલા જ કંપનીઓ બનાવીને લૂંટ ચલાવી હતી

થોડા સમય પહેલા જ સ્ટેટ જીએસટી વિભાગે પોતાના જ બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં હતા, આરોપ હતો કે તેમને રિફંડ ખોટી રીતે આપ્યું છે, અથવા તો કૌભાંડીઓ સાથે તેમના સંબંધો છે. પરંતુ આ કેસમાં અમે તપાસ કરી તો બંને અધિકારીઓ સામે બદલાની ભાવનાથી કાર્યવાહી કરાઇ હોવાનું અમને લાગ્યું, (જો કે તેઓ દોષિત છે તો તેમની સામે કાર્યવાહી થવી જ જોઇએ) અગાઉ પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં મહાસિદ્ધી, રચના, રેમિન્ગટોન, રેલીએબલ, રેયોન, મેક્સવેલ, ક્રૂનાલ, સુદામા, માહી જેવી બોગસ પેઢીઓમાં લાખો રૂપિયાનું રિફંડ લઇ લેવામાં આવ્યું હતુ, તે આ ઉચ્ચ અધિકારીઓને ન દેખાયું અને બે અધિકારીઓની સસ્પેડ કરીને મજા લેવામાં આવી, આ તમામ કંપનીઓ એક એવા ઉચ્ચ અધિકારીની મદદથી ચાલી હતી કે જેઓએ થોડા સમય પહેલા બદલીઓમાં ઉઘરાણાં કર્યા હતા, આરતી કંવરને તેની ગંધ આવી જતા તેમને બદલીના ઓર્ડરમાં પોતાની ઇમાનદારી દેખાડી હતી, ઇમરાનના આ ગોરખધંધા સ્ટેટ જીએસટીના ઉચ્ચ અધિકારીઓ જાણતા હોવા છંતા તેઓ આ કૌભાંડીનું કંઇ ઉખાડી ન શક્યાં. (બોગસ બિલિંગના ધંધામાં અનેક ઇમરાન હવે મજબૂત બની ગયા છે અને અધિકારીઓને અનેક પ્રકારની સેવા પણ આપે છે)

(આ ફોટોમાં રિફંડની માહિતી છે જે અધિકારીઓના પરિવારના ખિસ્સામાં ગયું છે)

( અધિકારીઓએ પરિવારના નામે કંપની બનાવીને કરોડો રૂપિયાનું રિફંડ લઇ લીધું તેના આ પુરાવા છે)

સ્ટોરી- 8 ઇમરાનની હિંમતની દાદ આપવી પડે, સરકાર પણ અહીં લાચાર છે, તમારી ઓફિસોમાં જઇને બેંક ખાતાઓ ખોલવા દબાણ કરે છે ત્યારે તમે કેમ ચૂપ છો ?

એક ઉચ્ચ લેવલના અધિકારી માટે બધુ જ કામ કરનારા ઇમરાને ઉપરની કંપનીઓમાં મસમોટું રિફંડ કૌભાંડ વર્ષો પહેલા જ કરી નાખ્યું હતુ, અને પછી ફાવટ આવી ગયા બાદ અધિકારીએ આ શખ્સને પોતાનો ખાસ વ્યક્તિ બનાવી લીધો, ઇમરાને એક બોગસ બિલિંગનું બેંક એકાઉન્ટ ખોલવા દબાણ કર્યું હતુ, ઘટક 5 ના અધિકારીએ ઘટક 7 ની પેઢીનું બેંક એકાઉન્ટ બ્લોક કર્યું હતુ, સમન્સ આપ્યાં બાદ વિભાગે આ કાર્યવાહી કરી હતી, જેમાં અંદાજે 54 લાખ રૂપિયા જેટલી રકમ હતી અને વિભાગની આ કામગીરી યોગ્ય પણ હતી, આ કેસમાં ઇમરાને એક ડીસી અને જેસીનો ફોન કરાવ્યો હતો અને બેંક એકાઉન્ટ ઓપન કરવા દબાણ કર્યું હતુ (અમારી પાસે આ પેઢીને લગતા દસ્તાવેજોના મહત્વના પુરાવા છે) આ કેસમાં એક મહિલા અધિકારીને પણ ગોધરા બદલી કરી નાખવાની ધમકી મળી હતી. એક રીતે સ્ટેટ જીએસટી વિભાગમાં દલાલોનો કબ્જો થઇ ગયો છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ મુંગા બનીને પોતાના નિર્દોષ અધિકારીઓને બચાવતા કેમ નથી ? ઇમાનદારીથી કામ કરનારા અધિકારીઓએ જ કેમ આ બધુ ભોગવવું પડે છે. હવે સમય આવી ગયો છે કે આ બધી જ ગંદકી રાજ્ય સરકાર એક જ ઝાટકે ખતમ કરી નાખે.

સ્ટોરી- 9 GJ-31, RJ- 14 અને MP પાર્સિંગની ગાડીઓમાં તમાકુ- ગુટખાની ટેક્સચોરી

શામળાજીમાં આજે પણ પાનમસાલા, ગુટખા, તમાકુમાં ટેક્સની મસમોટી ચોરી થઇ રહી છે. જૂના અધિકારીઓ ગયા તો મારૂતિ રિસોર્ટમાં દલાલો સાથે બેઠક કરાવીને ગયા, કારણ કે આ ગોરખધંધો આગળ વધે, થોડા દિવસ પહેલા જ બે અધિકારીઓએ બિલ વગરની એક તમાકુની ગાડી છોડી દીધી હતી, અને મીનિટોમાં જ આ ગાડી પાછી પકડવી પડી હતી. આ અધિકારીઓ જે ડમી નંબરો ઉપયોગ કરે છે તે નંબરોની તપાસ કરાવવામાં આવે તો તમામ ડીલિંગનો પર્દાફાશ થઇ શકે તેમ છે.

સ્ટોરી- 10 શામળાજીમાં મોબાઇલ સ્કવોર્ડના ડ્રાઇવરોના મોબાઇલની FSL તપાસ કરો

કોઇ દલાલી કરીને કરોડો રૂપિયાની સંપત્તિ વસાવી લે તો ડ્રાઇવરો પણ કેમ તેમાથી બાકાત રહે ? સ્ટેટ જીએસટીના કેટલાક અધિકારીઓ- કર્મચારીઓ કરોડો રૂપિયાની સંપત્તિ બનાવે તો અમે પણ કેમ બાકાત રહીએ ? તેમ વિચારીને બે ડ્રાઇવરો પણ દલાલી કરતા થઇ ગયા, શામળાજીમાં GST મોબાઇલ સ્કવોર્ડના ખાનગી ડ્રાઇવરો અહીં પ્રેક્ટીસ કરવા લાગ્યા, તેઓ ગાડીઓના લોકેશન દલાલોને આપીને એક પછી એક અનેક ગાડીઓ કઢાવી લે છે, જો આ બંને ડ્રાઇવરોના મોબાઇલની તપાસ થાય તો સામેના ડમી મોબાઇલ નંબરોમાં મોકલેલા લોકેશન અને થયેલી ચર્ચાઓનો ભાંડો ફૂટી જાય તેમ છે, જેમ સરકારી કર્મચારીની જાસૂસી બદઇરાદાથી કરવી તે ગુનો છે, તો આ ડ્રાઇવરો સામે પોલીસ ફરિયાદ કરીને દલાલોના કોલર ક્યારે પકડશો ??

(તમાકુ-પાનમસાલા-ગુટખા જે ગાડીઓમાં શામળાજીથી ગેરકાયદેસર લઇ જવાય છે તે ગાડીઓના નંબરોના પુરાવા)