નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકો (જેઓ અલગ અલગ વિઝા ધરાવે છે) તેમને ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં કેટલાક ગયા છે અને એક-બે દિવસમાં કેટલાકને પણ દેશમાંથી પાછા મોકલવામાં આવશે. આ આદેશનું પાલન ન કરનારા પાકિસ્તાનીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
માહિતી અનુસાર, કોઈ પણ પાકિસ્તાની નાગરિક જે સરકાર દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં ભારત છોડવામાં નિષ્ફળ જશે, તેની ધરપકડ કરવામાં આવશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા 3 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.
વિઝા ધારકો માટે ભારત છોડવાની અંતિમ તારીખ 26 એપ્રિલ હતી. મેડિકલ વિઝા ધરાવતા લોકો માટે, અંતિમ તારીખ 29 એપ્રિલ છે. રવિવાર સુધીમાં ભારત છોડવાના 12 શ્રેણીના વિઝા ધારકો છે - વિઝા ઓન અરાઇવલ, બિઝનેસ, ફિલ્મ, પત્રકાર, ટ્રાન્ઝિટ, કોન્ફરન્સ, પર્વતારોહણ, વિદ્યાર્થી, મુલાકાતી, જૂથ પ્રવાસી, યાત્રાળુ અને જૂથ યાત્રાળુ. 4 એપ્રિલથી અમલમાં આવેલા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 મુજબ, મર્યાદા કરતાં વધુ સમય સુધી રહેવું, વિઝા શરતોનું ઉલ્લંઘન કરવું અથવા પ્રતિબંધિત વિસ્તારોમાં અનધિકૃત પ્રવેશ કરવા બદલ ત્રણ વર્ષની જેલ અને ૩ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કરીને કોઈ પણ પાકિસ્તાની નાગરિક દેશ છોડવા માટે નિર્ધારિત સમયમર્યાદા પછી ભારતમાં ન રહે તે જોવા જણાવ્યું હતું. અમિત શાહની મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત પછી, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને મુખ્ય સચિવો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને જે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે તેઓ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં ભારત છોડી દે તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું.