હવે દરેક આતંકવાદી હુમલાને અમે યુદ્ધ ગણીશું, મોદી સરકારની પાકિસ્તાનને સીધી ચેતવણી

07:42 PM May 10, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન હુમલા વચ્ચે ભારત સરકાર તરફથી એક મોટું નિવેદન કરાયું છે. મોદી સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી હુમલો ભારત સામે યુદ્ધ જ ગણાશે. આતંક ફેલાવનારા દુશ્મન દેશને યુદ્ધની જેમ જવાબ આપવામાં આવશે.

પીએમ મોદી સાથે સંરક્ષણ મંત્રી અને અજિત ડોભાલે બેઠક કરી

ભારત- પાકિસ્તાન તણાવ વચ્ચે પીએમ મોદીએ તેમના નિવાસસ્થાને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને ભારતીય સશસ્ત્ર દળોના વડાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. શનિવારે સવારે પાકિસ્તાનમાં ચાર એરબેઝ પર ભારતના હુમલા બાદ આ બેઠક થઈ હતી.

ભારતે પાકિસ્તાનના આ લશ્કરી ઠેકાણાઓનો નાશ કર્યો

ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ અહેવાલ આપ્યો હતો કે રફીકી, મુરીદ, ચકલાલા, રહીમ યાર ખાન, સુક્કુર અને ચુનિયાનમાં પાકિસ્તાની લશ્કરી અડ્ડા તેમજ પસરુર અને સિયાલકોટ ઉડ્ડયન મથકોના રડાર સ્થળો પર ભારતીય લડાકુ વિમાનોના હવાઈ શસ્ત્રોનો ઉપયોગ કરીને સચોટ હુમલા કરવામાં આવ્યા હતા.

આતંકવાદ સામે ભારતનું ઓપરેશન સિંદૂર

ભારતે 7 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનની આતંકવાદી ફેક્ટરીનો નાશ કરવા માટે કાર્યવાહી શરુ કરી હતી. પાકિસ્તાન સામે ભારતની આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે. આ કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આમાં, જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના વડાઓ અને નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના આતંકવાદી છાવણીનો નાશ કરવામાં આવ્યો છે.

ભારતે પાકિસ્તાનના ઘણા લશ્કરી ઠેકાણા ઉડાવી દીધા

હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ હુમલા અને ગોળીબાર પહેલા કરતા વધુ તીવ્ર બન્યા છે. ભારતે પાકિસ્તાનના ઘણા લશ્કરી ઠેકાણા ઉડાવી દીધા છે. ભારતે પાકિસ્તાનના હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા છે. પાકિસ્તાન ભારતના ઘણા શહેરોમાં ડ્રોન મોકલી રહ્યું છે. ભારત આ ડ્રોનને હવામાં જ તોડી પાડી રહ્યું છે. આ સાથે, ભારતે ઘણી પાકિસ્તાની મિસાઇલો તોડી પાડી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++