આશા ભોસલે પંચતત્વમાં વિલીન, પુત્ર આનંદ ભોસલેએ મુખાગ્નિ આપી

01:42 PM Apr 14, 2026 | gujaratpost

  • આમિર-વિક્કી સહિત અનેક સેલેબ્સે આપી અંતિમ વિદાય

મુંબઈઃ જાણીતe ગાયિકા આશા ભોસલે હવે આ દુનિયામાં નથી રહ્યાં, 92 વર્ષીય ગાયિકાને 11 એપ્રિલ 2026ના રોજ અચાનક તબિયત બગડ્યા બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા અને 12 એપ્રિલે આશા ભોસલેનું અવસાન થયું હતું. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.

આશા ભોસલે પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. મુંબઈના શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. અંતિમ સંસ્કારમાં પહોંચેલા અનેક ગાયકોએ આશા ભોસલેને ગીત ગાઈને વિદાય આપી હતી. ગાયકોએ અભી ના જાઓ છોડકર..ગીત ગાઈને આશા તાઈને ભાવુક વિદાય આપી હતી. આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ મુખાગ્નિ આપી હતી.

અંતિમ સંસ્કાર પહેલા આશા તાઈને રાજ્ય સરકાર તરફથી રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું અને મુંબઈ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અંતિમ સંસ્કારમાં સિનેમા જગતની હસ્તીઓથી લઈને અનેક રાજકારણીઓ નેતાઓ સામેલ થયા હતા. આ દરમિયાન તેમની પૌત્રી જનાઈ ભોસલે અત્યંત ભાવુક જોવા મળી હતી.  

ગાયકી કારકિર્દીમાં, આશા ભોસલેએ 100થી વધુ એવોર્ડ્સ જીત્યા હતા, જેમાં નવ ફિલ્મફેર એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.