સરહદ પર રાષ્ટ્રીય કટોકટી બાદ અમેરિકામાં 500થી વધુ ઘૂસણખોરોની ધરપકડ, વ્હાઈટ હાઉસે કર્યો દાવો

08:53 PM Jan 24, 2025 | gujaratpost

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ પોતાની સરહદેથી અલગ-અલગ દેશોના 500થી વધુ ઘૂસણખોરોની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસની માહિતી અનુસાર અમેરિકી સેનાએ 538 ઘૂસણખોરોને પકડ્યાં છે. 

વ્હાઇટ હાઉસના જણાવ્યાં અનુસાર તેમાંથી ઘણા ઘૂસણખોરોને સૈન્ય વિમાનમાં પાછા મોકલવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી હતી. અમેરિકન સેના સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે વધુ સતર્ક થઈ ગઈ છે. આ દરમિયાન પેન્ટાગોને 1500 વધારાના સુરક્ષા જવાનોને મેક્સિકન બોર્ડર પર મોકલ્યાં છે. ટ્રમ્પ પ્રશાસને લાખો ગેરકાયદેસર ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને તેમના દેશમાં પાછા મોકલવાની તૈયારીઓ કરી લીધી છે. જેમાં હજારો ભારતીયો પણ સામેલ છે.

ટ્રમ્પે નવી ઈમિગ્રેશન પોલિસી બનાવી

ટ્રમ્પે નવી ઈમિગ્રેશન પોલિસી બનાવી છે, જે અંતર્ગત અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ઈમિગ્રન્ટ્સની ઓળખ કરીને તેમને તેમના દેશમાં પાછા મોકલવાની જોગવાઈ છે. કારણ કે આ લોકોને દેશની સુરક્ષા માટે ખતરો માનવામાં આવે છે. ચૂંટણી જીત્યા પહેલા જ ટ્રમ્પે નવી ઈમિગ્રેશન પોલિસી લાવવા અને સ્થળાંતર કરનારા ઘૂસણખોરોને તેમના દેશમાં પાછા મોકલવાની જાહેરાત કરી હતી. તેમની સંખ્યા લાખોમાં હોવાનું કહેવાય છે. ટ્રમ્પે આ સંબંધમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને નવી ઈમિગ્રેશન પોલિસી લાગુ કરી છે. તેમજ શપથગ્રહણના પહેલા જ દિવસે તેમણે સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++