પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું

12:36 PM Apr 12, 2026 | gujaratpost

લાહોરઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે ઈસ્લામાબાદમાં એક રાજદ્વારી પહેલના ભાગરૂપે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તા યોજાઈ હતી. પરંતુ આ બેઠકમાં કોઈ સમજૂતી પર સહમતી સધાઈ શકી નથી. અગાઉથી જ એવી અટકળો હતી કે આ બેઠક અનિર્ણિત રહી શકે છે. બંને પક્ષોમાંથી કોઈ પણ એકબીજા સામે નમતું જોખવા કે નરમાશ દાખવવાના મૂડમાં ન હતા. જેના કારણે પશ્ચિમ એશિયામાં ફરીથી સંઘર્ષ ફાટી નીકળવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં 21 કલાક સુધી ચાલેલી શાંતિ વાર્તા નિષ્ફળ રહી છે. આ રાજદ્વારી પ્રયાસ નિષ્ફળ જતાં પશ્ચિમ એશિયામાં સંકટ ઘેરું બનવાની સંભાવના વધી ગઈ છે. શાંતિ વાર્તા અસફળ રહ્યાં બાદ અમેરિકા-ઈઝરાયલ ફરી એકવાર આક્રમક વલણ અપનાવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

બેઠક પૂર્ણ થયા બાદ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નથી. મને લાગે છે કે આ અમેરિકા કરતા ઈરાન માટે વધુ ખરાબ સમાચાર છે. અમે આ બાબતને શક્ય તેટલી સ્પષ્ટ કરી દીધી છે, પરંતુ ઈરાને અમારી શરતો સ્વીકારી નથી.

ફાર્સ ન્યૂઝ એજન્સીએ ઈરાની પ્રતિનિધિમંડળના નજીકના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, અમેરિકાએ સંઘર્ષ દરમિયાન જે કંઈ હાંસલ કરી શક્યું ન હતું, તે બધું જ માગ્યું હતું. એજન્સીએ ઉમેર્યું કે ઈરાને અનેક મોરચે અમેરિકાની શરતો માનવાનો ઈનકાર કરી દીધો છે. તેહરાને કહ્યું, ઈરાને હોર્મુઝની ખાડી, પરમાણુ કાર્યક્રમ પર રોક અને અન્ય અનેક મુદ્દાઓ પર અમેરિકાની શરતો સ્વીકારી નથી.

શાંતિ વાર્તા નિષ્ફળ જવા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર રહ્યાં છે. પ્રથમ હોર્મુઝની ખાડી પર નિયંત્રણ: ઈરાન આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની માંગ પર અડગ રહ્યું, જ્યારે અમેરિકા તેને સંપૂર્ણપણે મુક્ત કરવાની માંગ કરી રહ્યું હતું. બીજું પરમાણુ કાર્યક્રમ: અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવાની માંગ કરી, જેને ઈરાને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. ઈરાનનું કહેવું છે કે તે પરમાણુ હથિયાર નહીં બનાવે, પરંતુ યુરેનિયમ સંવર્ધન બંધ નહીં કરે. બીજી તરફ, અમેરિકાની માંગ છે કે ઈરાન તેની પરમાણુ સુવિધાઓ નષ્ટ કરે અને યુરેનિયમનો જથ્થો આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીને સોંપી દે.

વાતચીત નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે બંને દેશોનો સંવાદના ટેબલ પર આવવા બદલ આભાર માન્યો હતો. તેમણે અપીલ કરી હતી કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી ચાલુ રહેવી જોઈએ. તેમણે ઉમેર્યું, અમે ઈચ્છીએ છીએ કે યુદ્ધવિરામની સમયમર્યાદા વધારવામાં આવે અને બંને પક્ષો તેનું પાલન કરે.

શાંતિ વાર્તા નિષ્ફળ રહ્યાં બાદ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં અમેરિકા સાથે આગામી રાઉન્ડની વાતચીતની કોઈ યોજના નથી. ઈરાની સમાચાર એજન્સી તસ્નીમે જણાવ્યું છે કે હવે બોલ અમેરિકાની કોર્ટમાં છે અને ઈરાનને વાતચીત કરવાની કોઈ ઉતાવળ નથી. બીજી તરફ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ આ અંગે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નથી.