ટેક્સાસઃ શહેરમાં થયેલા ભીષણ અકસ્માતમાં 4 ભારતીય જીવતા ભડથું થઇ ગયા છે. આ અકસ્માતમાં 5 ગાડી એકબીજા સાથે અથડાઇ હતી. આ ભયાનક અકસ્માત સર્જાતા કારમાં ભીષણ આગ લાગી ગઈ, તેમાં સવાર 4 લોકોને બહાર કાઢી શકાયા ન હતા. આ દુર્ઘટના 31 ઓગસ્ટના રોજ બની હતી. બે લોકો હૈદરાબાદના રહેવાસી હતા. પીડિતોની ઓળખ કુકટપલ્લીના આર્યન રઘુનાથ ઓરમપટ્ટી અને તેના મિત્ર ફારૂક શેખ અન્ય તેલુગુ વિદ્યાર્થી લોકેશ પલાચરલા અને તમિલનાડુના દર્શિની વાસુદેવ તરીકે થઈ છે.
કોલિન કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યાં અનુસાર શુક્રવારે બપોરે ડલાસ નજીક અન્ના ખાતે વ્હાઇટ સ્ટ્રીટની પાછળ ઉત્તર તરફના US 75 પર પાંચ વાહનોનો અકસ્માત થયો હતો. તેજ ગતિએ જઈ રહેલ એક ટ્રક ધીમી પડવામાં નિષ્ફળ ગઇ અને એસયુવીના પાછળના ભાગમાં અથડાઈ હતી. કારની ટક્કર એટલી ભયાનક હતી કે એસયુવીમાં આગ લાગી હતી અને ચાર મુસાફરો અંદર ફસાઇ જતા તેમના મોત થયા હતા.
આર્યન ઓરમપટ્ટી અને ફારૂક શેખ ડલ્લાસમાં (આર્યનના) પિતરાઈ ભાઈની મુલાકાત લઈને પાછા ફરી રહ્યાં હતા, જ્યારે લોકેશ તેની પત્નીને મળવા બેન્ટનવિલે જઈ રહ્યો હતો. દર્શિની વાસુદેવ ટેક્સાસ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અરકાનસાસમાં તેના કાકાને મળવા જઈ રહી હતી.
આર્યનના પિતાના એક મિત્રએ જણાવ્યું હતું કે આર્યન અને તેના મિત્ર ફારૂક સહિત ચાર લોકો કારપૂલિંગ એપનો ઉપયોગ કરીને વાહનમાં જોડાયા હતા. શનિવારે યુ.એસ.માં રહેતા એક સંબંધી પાસેથી અકસ્માતની જાણ થયા બાદ આર્યનના માતા-પિતા યુએસ જવા રવાના થયા હતા.
આર્યન તેની એન્જીનીયરીંગ ડીગ્રી પૂર્ણ કર્યા બાદ એમએસ કરવા માટે યુએસ ગયો હતો, તેના માતા-પિતા મે મહિનામાં તેના કોન્વોકેશનમાં હાજરી આપી હતી, આર્યન બે વર્ષ સુધી યુ.એસ.માં કામ કરવા માંગતો હતો અને પછી ભારત પાછો ફરવા માંગતો હતો.
હૈદરાબાદમાં રહેતા ફારૂકના પિતા મસ્તાન વલીને શનિવારે જાણ કરવામાં આવી હતી કે એક ઓવર સ્પીડ ટ્રકે વાહનને ટક્કર મારી હતી, જેમાં તેમનો પુત્ર અને આર્યન સહિત અન્ય ત્રણ ભારતીયો મુસાફરી કરી રહ્યાં હતા. ફારૂક અહીંથી ઓગસ્ટ 2021માં યુએસ ગયો હતો અને ત્યાં એમએસ કર્યા બાદ હવે તે નોકરી કરી રહ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526