ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: હોર્મુઝ ખોલો, નહીં તો તેલના કુવા અને પાવર પ્લાન્ટ્સ ફૂંકી મારીશું

09:13 PM Mar 30, 2026 | gujaratpost

  • અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે
  • આ સંઘર્ષ હવે તેના 31મા દિવસમાં પ્રવેશી ચૂક્યો છે
  • કોઈ દેશ પીછેહઠ કરવા તૈયાર નથી

વોશિંગ્ટન ડીસીઃ ઈરાન સાથે વાતચીતના દાવાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનમાં તેલ અને પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન તરત જ હોર્મુઝ ખોલી દે, નહીંં તો અમેરિકા તેના વીજ ઉત્પાદન મથકો, તેલના કુવાઓ અને ખર્ગ ટાપુને ઉડાવીને સંપૂર્ણપણે તબાહ કરી દેશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, અમેરિકા, ઈરાનમાં પોતાના સૈન્ય ઓપરેશન ખતમ કરવા માટે વાતચીત કરી રહ્યું છે. પરંતુ ઇરાન જો આ વાતચીત પર આગળ નથી વધવા માંગતુ તો અમે હુમલા વધારીશું.

ટ્રમ્પે આગળ લખ્યું કે, આ અમારા એ સૈનિકો અને અન્ય લોકોનો બદલો હશે, જેમને ઈરાને જૂના શાસનના 47 વર્ષના આતંક દરમિયાન નિર્દયતાથી માર્યા છે. બીજી તરફ, ઈરાને અમેરિકી અને ઈઝરાયેલી અધિકારીઓના ઘરોને નિશાન બનાવવાની ધમકી આપી છે. ઈરાની સૈન્ય પ્રવક્તા ઇબ્રાહિમ ઝુલ્ફિકારીએ કહ્યું કે હવે આ આવાસને વ્યાજબી નિશાન ગણવામાં આવશે.

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે પરમાણુ હથિયાર મેળવવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ તે પરમાણુ અપ્રસાર સંધિમાં રહેવા અંગે વિચારણા કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાકાઈએ કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ઈચ્છતું ન હતું અને ન તો ક્યારેય એવો પ્રયત્ન કર્યો છે.