વોશિંગ્ટનઃ મધ્ય પૂર્વમાં તણાવ ચાલુ છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં હવે ઘણા દેશો કૂદી પડ્યાં છે. લેબનોનથી ઈરાન સુધી હવે યુદ્ધ તરફ આગળ વધી રહ્યાં છે. વધતા તણાવને જોતા લેબનોનની રાજધાની બેરુતમાં યુએસ એમ્બેસીએ તેના નાગરિકોને કોઈ પણ ઉપલબ્ધ ટિકિટ પર લેબનોનમાંથી શક્ય એટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપી છે.
અમેરિકી દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરીમાં કહ્યું છે કે ઘણી એરલાઈન્સે ફ્લાઈટ્સ સ્થગિત અથવા રદ કરી છે અને ઘણી ફ્લાઈટ્સની ટિકિટો વેચાઈ ગઈ છે. જો કે, લેબનોન છોડવા માટે વ્યાપારી પરિવહન વિકલ્પો ઉપલબ્ધ છે. કૃપા કરીને બેરૂત-રાફિક હરીરી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉપલબ્ધ ફ્લાઇટ વિકલ્પો જુઓ. અમે લેબનોનથી પ્રસ્થાન કરવા ઈચ્છતા લોકોને તેમના માટે ઉપલબ્ધ કોઈપણ ટિકિટ બુક કરવા પ્રોત્સાહિત કરીએ છીએ, પછી ભલે તે ફ્લાઈટ તરત જ ઉપડતી ન હોય, પરંતુ કોઇ પણ રીતે તમે અહીંથી બહાર નીકળજો.
યુએસ નાગરિકો કે જેમની પાસે યુ.એસ. પરત ફરવા માટે જો ભંડોળનો અભાવ છે તેઓ નાણાંકીય સહાય માટે દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. અમે વિનંતી કરીએ છીએ કે તમે તાત્કાલિક લેબનોન છોડી દેજો.
બ્રિટને પણ પોતાના નાગરિકોને ચેતવણી આપી
આ પહેલા બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમી દ્વારા પણ આવી જ ચેતવણી આપવામાં આવી હતી. લેમીએ કહ્યું હતું કે આ વિસ્તારની સ્થિતિ ઝડપથી બગડી શકે છે. બુધવારે તેહરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાને ઈઝરાયેલ સામે જવાબી કાર્યવાહી કરવાની વાત કરી છે.
ઇઝરાયેલે બેરૂતમાં હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકરને માર્યો હોવાનો દાવો કર્યાના થોડા કલાકો બાદ જ હાનિયાના મોતના સમાચાર આવ્યાં હતા. રવિવારે રાત્રે હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલના બીટ હિલેલ વિસ્તારમાં અનેક રોકેટ છોડ્યા હતા. હિઝબુલ્લાહનો દાવો છે કે ઈઝરાયેલના હુમલામાં ત્યાંના નાગરિકો ઘાયલ થયા છે. સામે ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમે હિઝબુલ્લાહ દ્વારા છોડવામાં આવેલા ઘણા રોકેટને અટકાવ્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/