થાનગઢમાં મૃતકના નામે ચાલતું કરોડો રૂપિયાનું રોયલ્ટી કૌભાંડ ઝડપાયું, રૂ. 78.80 લાખનો મુદ્દામાલ જપ્ત

09:09 PM Mar 30, 2026 | gujaratpost

સુરેન્દ્રનગર: ગેરકાયદેસર ખનીજ ખનન કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. થાનગઢ પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા મોટા રોયલ્ટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચોટીલાના નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે ગુગલીયાણા ગામે દરોડા પાડીને મોટું કૌભાંંડ ઝડપી લીધું છે.

તપાસમાં ખુલ્યું છે કે જે વ્યક્તિનું 5 વર્ષ પહેલાં મોત થઇ ચુક્યું હતુ, તેના નામે લીઝ ચાલુ બતાવીને ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ ઈસ્યૂં કરવામાં આવતા હતા. કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી પર જ્યારે વહીવટી તંત્ર ત્રાટક્યું ત્યારે આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું. દરોડામાં લાખો રૂપિયાની કિંમતના મશીનો અને નકલી દસ્તાવેજો મળી આવ્યાં છે.

સ્થળ પરથી કુલ 774 નકલી પાસ મળી આવ્યાં છે, જેનો ઉપયોગ ગેરકાયદેસર ખનન કરેલા કોલસાને હેરાફેરી કરવા માટે થતો હતો. પોલીસે અને મહેસૂલ વિભાગે ઘટના સ્થળેથી જેસીબી (JCB) અને લોડર જેવા વાહનો કબ્જે કર્યા છે. જપ્ત કરવામાં આવેલા કુલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹78.80 લાખ આંકવામાં આવી છે.

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાના માર્ગદર્શન હેઠળ મામલતદારની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. આ દરોડાથી સ્થાનિક ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારી ચોપડે મૃત જાહેર થયેલી વ્યક્તિના નામે કેવી રીતે પાસ ઈસ્યૂં થતા હતા અને કયા મોટા માથાઓની સંડોવણી છે, તે દિશામાં ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.