સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં બિલ્ડર વિપુલભાઈ માંડાણીની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં મોટો ખુલાસો કર્યો છે. આ હત્યા પાછળ મહિલા સાથેના અનૈતિક સંબંધો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ગુનામાં એક વકીલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો હજુ ફરાર છે.
મૂળ અમરેલીના સાવરકુંડલાના અને હાલ સરથાણામાં રહેતા 46 વર્ષીય બિલ્ડર વિપુલભાઈ રવજીભાઈ માંડાણી ગત સોમવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ કતારગામના જે.કે.પી નગર પાસે કામ અર્થે ગયા હતા. તે સમયે અજાણ્યા શખ્સોએ તેમની સાથે તકરાર કરી હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓએ જાહેરમાં જ વિપુલભાઈ પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બિલ્ડરને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
હત્યાની ગંભીરતાને ધ્યાને લઈ કતારગામ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ હત્યા મહિલા સાથેના અનૈતિક સંબંધોની અદાવતમાં કરવામાં આવી છે.
પોલીસે ઓપરેશન હાથ ધરી એક વકીલ સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હત્યામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
ઘટના બાદ મૃતક બિલ્ડરના પરિવારે સ્મીમેર હોસ્પિટલ ખાતે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ અધિકારીઓની ખાતરી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.