Latest Surat News: સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. સુરતમાંથી પોલીસે ભજીયાની લારી પર વેચાતું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. લાલગેટ પોલીસે હોડી બંગલા વિસ્તારમાં ભજીયાની લારી પર રેડ કરીને 125.71 ગ્રામ એમડી ડ્રગ્સ, ભજીયાની લારીના માલિક અને કેટલાક શ્રમજીવીઓની ધરપકડ કરી હતી.
કામ બરાબર ચાલતું ન હોવાથી ડ્રગ્સના બંધાણી કાપડ દલાલે મુંબઈથી ડ્રગ્સ લાવીને મિત્રની લારી ઉપરથી ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતુ, ગ્રાહકો સાથે 'દવા' કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું.
લાલગેટ પોલીસને મળેલી બાતમીના આધારે લાલગેટ હોડી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં આશાપુરી બિલ્ડીંગની સામે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઈનુદ્દીન અંસારીની ભજીયાની લારી પર ડ્રગ્સ વેચાતું હતુ. પોલીસને લારીના માલિક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી, તેના બે મિત્રો કાપડ દલાલ મોહમદ જાફર મોહમદ સિદ્દીક ગોડીલ, સાડીના કારખાનામાં છૂટક મજૂરી કરતા રાસીદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારી પાસેથી કુલ રૂ.12,57,100 ની મત્તાનું 125.71 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળ્યું હતું;
પોલીસે તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત રૂ.75 હજારની મત્તાના ચાર મોબાઈલ ફોન, નાનો ઇલેક્ટ્રીક વજનકાંટો, 85 નંગ પુશલોક બેગ મળી કુલ રૂ.13,32,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોઈનુદ્દીન ભજીયાની લારી અને પાનનો ગલ્લો ચલાવે છે.મોહમદ જાફર ગોડીલ અને રાસીદ જમાલ ઉર્ફે બનારસી અંસારી ત્યાં બેસવા આવતા હોય ત્રણેય વચ્ચે મિત્રતા બની હતી. મોહમદ જાફર ગોડીલ અને રાસીદ જમાલ ઉર્ફે બનારસી બંને ડ્રગ્સના બંધાણી છે. કાપડ દલાલ મોહમદ જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એક મહિનાથી તે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવતો હતો અને ત્રણેય મોઈનુદ્દીનની ભજીયાની લારી ઉપર ભેગા થઈ ડ્રગ્સનું વેચાણ કરતા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526