(demo pic)
Surat Crime News: સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના 39 વર્ષીય રત્નકલાકારને તેના મિત્ર અને મહિલા સહિત પાંચની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી રૂ.75 હજાર પડાવ્યાં હતા. આ અંગે ભોગ બનનારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે જમીનદલાલ મિત્રની ધરપકડ કરી હતી.
મૂળ બોટાદના રોહિશાળા ગામના વતની અને સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા 39 વર્ષીય રત્નકલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે ફોન કરી કહ્યું હતું કે હું એક ભાભી લાવ્યો છું, તમારે આવવું હોય તો આવો. જેથી તે ઉમેશે આપેલા સરનામા પર પહોંચ્યો હતો. ત્યાં બહાર ઉભેલો ઉમેશ તેમને તે ઘરમાં લઈ ગયો હતો, જ્યાં ડ્રોઈંગ રૂમમાં ક્રીમ કલરની સાડી પહેરેલી મહિલા હાજર હતી .ઉમેશે તેને તે મહિલા સાથે જવા કહેતા બંને અંદરના રૂમમાં ગયા હતા અને ઉમેશ બહાર બેસેલો હતો. બંને ગાદલા ઉપર બેસેલા હતા ત્યારે ત્રણ અજાણ્યા દરવાજો ખોલીને અંદર આવ્યાં હતા. ત્રણેયે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને પોતાનું આઈકાર્ડ બતાવીને આ શું કરે છે કહીને બે ત્રણ થપ્પડ મારી હતી.
તેને પોલીસ સ્ટેશન નહીં લઈ જવા માટે રૂ.3 લાખની માંગણી કરી હતી, રકઝક બાદ રૂ.75 હજાર લેવા તૈયાર થતા સેફ ડીપોઝીટમાંથી પૈસા લેવા માટે આવ્યાં હતા. તેમણે સેફની ચાવી મંગાવી રૂ.75 હજાર ઉપાડી બહાર ઉભેલા ઉમેશને આપ્યાં હતા, ત્યાર બાદ રત્નકલાકારને લાગ્યું હતું કે તેને ફસાવી દેવામાં આવ્યો છે, જેથી તેને પોતાના મિત્ર અને અન્ય આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં પોલીસે ઉમેશને ઝડપી લીધો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526